કેનેડાએ ભારત સાથેનું ટ્રેડ મિશન મુલતવી રાખ્યું,G-20 કોન્ફરન્સ પછી પ્રકાશમાં આવી આ ઘટના
દિલ્હી: કેનેડાના વેપાર મંત્રી મેરી એનજીએ ભારત માટે તેમના પ્રસ્તાવિત વેપાર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન મિશન આવતા મહિને ભારતમાં આવવાનું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલી G-20 સમિટ બાદ તાજેતરની ઘટનાઓ સામે આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સ દરમિયાન ખાલિસ્તાન મુદ્દે તેમના કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રુડો સમક્ષ આકરી ચિંતા વ્યક્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
G-20 સમિટ દરમિયાન PM મોદીએ કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સાથેની તેમની ટૂંકી મુલાકાતમાં કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા સતત ‘ભારત વિરોધી પ્રવૃત્તિઓ’ અંગે સખત ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું કે આવા ખતરાનો સામનો કરવા માટે બંને દેશોએ સહયોગ કરવો જરૂરી છે.
તેમણે કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ ચાલુ રાખવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો.રવિવારે, ટ્રુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે થોડા લોકોની ક્રિયાઓ સમગ્ર સમુદાય અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતી નથી. વડાપ્રધાન મોદીએ એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત-કેનેડા સંબંધોની પ્રગતિ માટે પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત સંબંધ જરૂરી છે.
નોંધનીય છે કે, ઓકટોબરમાં કેનેડા અને ભારત વચ્ચે ટ્રેડ મિશન અંગે વાતચીત થવાની હતી.G-20 સમિટ દરમિયાન પીએમ મોદીએ ઘણા દેશોના નેતાઓ સાથે ઔપચારિક દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની અવગણના કરી અને નાની અનૌપચારિક મીટિંગ કરી હતી.