ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ મહત્વના કોર્પ્સ કમાન્ડરોની એક કોન્ફરન્સ આયોજીત કરી છે. પાકિસ્તાની સેનાના કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં કાશ્મીર મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક સુરક્ષાની સમીક્ષા અને એલઓસી પર તણાવની સ્થિતિની ચર્ચા હાથ ધરાઈ છે.
સૂત્રોને ટાંકીને આવતા પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવાની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં ભારત તરફથી પાકિસ્તાનના સિવિલિયનો પર કથિતપણે ક્લસ્ટર બોમ્બિંગ બાદ પેદા થયેલી પરિસ્થિતિનો મામલો જોવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાંથી ભારતીય બંધારણના અનુચ્છેદ-370ને હટાવાયા બાદ કાશ્મીર ખીણના સ્પેશયલ સ્ટેટસના દૂર થયા બાદની પરિસ્થિતિ સંદર્ભે પણ પાકિસ્તાની સેનાના કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં ચર્ચા થઈ રહી છે.
મહત્વપૂર્ણ છે કે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનવાદી ભાગલાવાદીઓ અને આતંકવાદીઓને સમાપ્ત કરવાના દ્રઢસંકલ્પ સાથે અહીં આર્ટિકલ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને હટાવી દીધી છે. જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરાશે અને તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીર વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે, જ્યારે લડાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે.