ગાંધીનગરઃ રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત 3-4 દિવસોના પ્રમાણમાં મંગળવારે વરસાદનું જોર ઘટ્યું હતુ. મંગળવારે સવારના 6.00થી 6.00 કલાક દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ 5 ઇંચથી વધુ, જ્યારે માત્ર 3 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા પૂર્ણ થયો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સૂત્રોએ જણાવ્યું હતુ.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16,360થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આઠ જિલ્લાના 1079 લોકોને રેસક્યું કરવામાં આવ્યા હતુ. રેસ્કયું કામગીરી માટે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ ખડેપગે તહેનાત કરાઈ છે. જરૂર પડ્યે વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે તેને પણ ઝડપભેર મરામત કરી ફરી શરૂ કરવા તંત્ર દ્વારા ખડેપગે રહી કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોના 17,242 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્ર દ્વારા ત્વરાએ 17,149 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે બાકીના 93 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.
રાજય હવામાન કચેરીના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવેલ હતું. કે, બુધવારે બપોરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને 24 કલાક બાદ રાજયમાં ઠેર ઠેર માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે સાયકલોનિક સર્કયુલેશન 24 કલાક બાદ નબળુ પડી જશે આથી રાજયમાં વરસાદનું પ્રમાણ પણ ઓછુ થઈ જશે.