ગાંધીનગરઃ શહેર નજીક આવેલા દશેલા ગામ પાસેના ખાયણા તળાવમાં કાર ખાબકતા કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિત લાપતા હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે કાર તળાવમાં ખાબક્યા બાદ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરતા કાર તળાવમાં ડૂબી હોવાનું જાણવા મળ્યુ હતુ.અને તરવૈયાઓએ શોધખોળ આદરતા તળાવમાંથી ચાર યુવકોના મૃતદેહો મળ્યા હતા. જ્યારે એક યુવક હજી પણ લાપતા હોય તેની શોધખોળ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ચાર યુવાનો અને દશેલા ગામનો એક યુવાન એમ પાંચેય મિત્રો રાજસ્થાન ફરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ નરોડામાં રહેતા ચાર મિત્રો ગાંધીનગરના દશેલામાં રહેતા ગૌરાંગ ભટ્ટને તેના ઘરે ઉતારવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના સમયે ધોધમાર વરસાદ ચાલુ હોવાના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. જેથી અકસ્માતે કાર રોડ પરથી બાજુમાં આવેલા તળાવમાં ઉતરી ગઈ હતી. અક્સ્માત સર્જાતા ગૌરાંગે તેના પિતાને ફોન કરી પોતાની કાર તળાવમાં પડી હોવાની જાણ પણ કરી હતી. ત્યારબાદ તેનો ફોન તુરંત કટ થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાત્રિના અંધકારમાં કાર જ્યારે દશેલા ગામ નજીક ખાયણા તળાવમાં ખાબકી ત્યારે ગૌરાંગે તેના પિતાને ફોન કર્યો હતો. પરંતુ લોકેશન જણાવી શક્યો ન હતો. જેથી આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ટ્રેસિંગ કર્યું હતું અને તળાવ સુધી પહોંચી હતી. પરિવારજનો અને ગ્રામજનોએ તરવૈયાની મદદથી ગતરાત્રિથી જ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. આજે ફાયરબ્રિગેડની ટીમને પણ બોલાવી લેવામાં આવી હતી. જેમાં શોધખોળ દરમિયાન વિનય, ભરત, ગૌરાંગ અને નિમેષના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.