JEE’ મેઈન પરીક્ષા જાન્યુઆરીમાં તેમજ ‘NEET-UG’ અને CUETની કસોટી ‘ મે મહિનામાં લેવાશે
અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન લેવાનારી જુદી જુદી પરીક્ષાઓનું શિડ્યૂલ જાહેર કરાયું છે. જેમાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)એ એનઇઇટી, સીયુઇટી, યુજીસી નેટ પરીક્ષાઓની તારીખનું કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ જેઇઇ મેઇન 2024 બે સત્રમાં આયોજિત થશે. જેમાં જેઈઈનું સેશન-1 તા. 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે જ્યારે બીજા સેશનની પરીક્ષા 1થી 15 એપ્રિલ દરમિયાન લેવાશે. તેમજ યુજી-નેટ અને સીયુઈટીની પરીક્ષા મે મહિનામાં યોજાશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આગામી વર્ષે એન્જિનિયરિંગ, મેડિકલ, સેન્ટ્રલ યુનિવર્સિટી તેમજ અન્ય ઘણા વ્યાવસાયિક ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોજાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું શિડ્યૂલ જાહેર કર્યુ છે. એજન્સી દ્વારા પરીક્ષા કેલેન્ડર-2024માં જે તારીખોની જાહેરાત કરવામાં આવી છે તેમાં JEE મેઈન, NEET-UG અને CUET-UGનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓ માટે નોંધણી કરાવનારા ઉમેદવારોની કુલ સંખ્યા પાછલા વર્ષોના આધારે લગભગ 45 લાખ આસપાસ રહેવાની શક્યતા છે. એનટીએ દ્વારા એવું પણ જણાવાયું છે કે, તમામ સીબીટી પરીક્ષાના પરિણામ પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. જ્યારે નીટ યુજી-2024ના પરિણામ જૂનના બીજા સપ્તાહ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
એનટીએ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષાના કેલેન્ડર મુજબ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUET UG પરીક્ષા 15થી 31 મે વચ્ચે યોજાશે. જ્યારે CUET-PG 11થી 28 માર્ચ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટે નોંધણી શરૂ થયા બાદ ઉમેદવારો અરજી કરી શકશે. અરજી માટેની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે. મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી NEET અને એન્જિનિરિંગમાં પ્રવેશ માટે લેવાતી JEEની પરિક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ ધોરણ-12 સાયન્સમાં પ્રવેશતાની સાથે જ કરવા લાગે છે. જે વિદ્યાર્થીઓને મેડિકલ કે એન્જિનિરિંગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી છે તેઓ બોર્ડના વર્ષથી જ બન્ને પ્રવેશ પરીક્ષાની તૈયારી પર સૌથી વધુ ફોકસ કરતા હોય છે. (File photo)