અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવે તેવી શકયતા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડોના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત મહિલા સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં લોકસભામાં પાસ થયેલા મહિલા આરંક્ષણ બિલ મામલે રાજ્યની હજારો મહિલાઓ પીએમનો આભાર વ્યક્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે 27મી સ્ટેમ્બરના રોજ સવારે હવાઈ માર્ગે અમદાવાદ આવશે. એરપોર્ટ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોડેલી ખાતે શિક્ષણ વિભાગના કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ભાજપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓ સંમેલનમાં ઉપસ્થિત રહે તે માટે કવાયત શરૂ કરી છે.
લોકસભામાં મહિલા આરક્ષણ બિલ બહુમતીથી પસાર થયું હતું. નરેન્દ્ર મોદીએ નારી શક્તિ વંદન વિધેયક લોકસભામાં પસાર થતા ખુશી વ્યક્ત કરતાં એક્સ પર જણાવ્યું કે, 128મું બંધારણ સંશોધન બિલ, 2023 લોકસભામાં અભૂતપૂર્વ સમર્થન સાથે પસાર થયું છે. જે મહિલા સશક્તિકરણને વધુ પ્રોત્સાહન આપશે અને આપણી રાજકીય પ્રક્રિયામાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરશે. આ બિલના સમર્થનમાં મતદાન કરનારા તમામ પક્ષોના સાંસદોનો હું આભાર માનું છું. નારી શક્તિ વંદન કાયદો એક ઐતિહાસિક કાયદો છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મહિલા અનામત બિલ પસાર થવાથી મહિલાઓના નેતૃત્વમાં વિકાસની શરૂઆત થવા જઈ રહી છે. તેમણે કહ્યું કે આ બિલ નીતિ નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરશે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે મહિલા સશક્તિકરણ કેટલાક પક્ષો માટે રાજકીય મુદ્દો બની શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આ રાજકીય મુદ્દો નથી પરંતુ તેની કાર્ય સંસ્કૃતિ છે.