અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે તા. 23મી સપ્ટેમ્બરથી રંગેચંગે પ્રારંભ થશે. પરગામથી અનેક યાત્રાળુ સંઘો પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ વખતે લાખો લોકો માતાજીના દર્શન માટે ઉમટી પડવાની શક્યતા હોવાથી મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજીના વિવિધ માર્ગો શણગારવામાં આવ્યા છે. તેમજ મંદિર પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે.
અંબાજીમાં આજે તારીખ 23 સપ્ટેમ્બરથી લઈને 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને માતાજીના ચરણે આવતા હોય છે. ત્યારે વહીવટી તંત્ર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજી આવતા દર્શનાર્થીઓની સુવિધા સહિત મનોરંજનની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ભાદરવી પૂનમની રોનક જોવા મળી રહી છે. ભાદરવી પૂનમના મહામેળામાં યાત્રાધામ અંબાજી રોશનીથી જગમગી ઉઠ્યું છે. અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અલૌકિક અને અદ્ભુત રોશનીથી અંબાજી મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. સાથે સાથે અંબાજીના વિવિધ માર્ગો પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.
જગતજનની મા અંબાના ધામ અંબાજીને રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવ્યું છે. જ્યાં સૌથી વધુ અવરજવર રહે છે તેવા ડીકે ત્રિવેદી સર્કલથી સર્કિટ હાઉસ સર્કલ સુધીના માર્ગ પર ડોમ બનાવ્યો છે તેની પર સફેદ અને લાલ લાઈટની રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે જેને જોવા માટે અંબાજી નગરના લોકો ઉમટી રહ્યા છે. ગામલોકો રોશનીનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. અંબાજીમાં અમદાવાદ હિંમતનગર મહેસાણા તરફ યાત્રિકોના અવરજવર માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં બસ સ્ટેશન બનાવવામાં આવે છે. આ વર્ષે પણ હંગામી બસ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું હતું પરંતુ બે દિવસ પૂર્વે અંબાજીમાં થયેલા ભારે વરસાદના પગલે જીએમડીસી ગ્રાઉન્ડમાં કાદવ કિચડની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. તેવામાં એસટી નિગમના સ્ટાફે રાતોરાત સમગ્ર મેદાનમાં મેટલ પાથરી તેની ઉપર રોલર ફેરવી યાત્રિકોને મુશ્કેલી ન પડે તેવું મેદાન બનાવી દીધું હતું. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતાં પદયાત્રિકોને રસ્તામાં આરોગ્યલક્ષી સેવા આપવા માટે 11 લોકેશન ઉપર 108ની ટીમ તૈનાત રહેશે. જેમાં 50 તાલીમબધ્ધ કર્મચારીઓ દિવસ- રાત વિનામૂલ્યે સેવા આપશે.
અંબાજીમાં પ્રથમવાર કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. મંદિરના પ્રસાદની માંગને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની બહાર કેટલાક પ્રસાદ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવાનું પગલું ભર્યું છે. જેમાં રૂ 30માં મોહનથાળ મળશે.તમામ ભક્તો ડિજિટલ પેમેન્ટ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીનોથી સીધા જ પ્રસાદ ખરીદી શકશે.