વસ્તડી-ચુડા વચ્ચેનો નદી પરનો બ્રિજ એકાએક તૂટી પડતા ડમ્પર, બે બાઈક ખાબક્યા, ચારને ઈજા
સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો નદી પરનો પુલ એકાએક ધરાશાયી થતાં અફડા-તફડી મચી ગઈ હતી. બ્રિજ પરથી એક ડમ્પર અને બે બાઈક પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ બ્રિજ તૂટી પડતા ડમ્પરચાલક સહિત ચારને ઈજા થઈ હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત હતો. અને ગ્રામજનોએ અવાર-નવાર રજુઆતો પણ કરી હતી. છતાંયે સત્તાધિશોએ કોઈ પગલાં લીધા નહતા.
સુરેન્દ્રનગર જિલ્લાના. વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ જર્જરિત પુલ હતો અને તે ધરાશાયી થતા ડમ્પર, બે બાઈક અને પગપાળા જતી મહિલાઓ નદીમાં ખાબકી હતી. નદીમાં ખાબકેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ઘટના સ્થળે વસ્તડી ગામના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ બનાવમાં ડમ્પરચાલક સહિત 4થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વસ્તડી અને ચુડા વચ્ચેનો બ્રિજ તૂટી પડતા અને આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. અને યુદ્વના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ ડમ્પર ચાલક અને બે બાઇકસવારને રસ્સા વડે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પુલ ધરાશાઈ થવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને ટ્રાફિકથી ધમધમતો પુલ અચાનક જ ધરાશાઈ થઇ જતા અફડાતફડી મચી જવા પામી હતી. ગ્રામજનોએ અગાઉ બ્રિજ જર્જરિત બન્યાની અનેકવાર રજુઆતો કરી હતી, અને આ અંગે આવેદનપત્રો પણ અપાયા છે. છતાંયે સત્તાધિશોએ કોઈ દરકાર લીધી નહતી.