નવી દિલ્હીઃ ઈરાનના ગુપ્તચર વિભાગે રાજધાનીમાં અનેક ભીડભાડવાળા સ્થળોને નિશાન બનાવાના આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું અને આ સંબંધમાં 28 શકમંદોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઈરાનના ગુપ્તચર મંત્રાલયે આ જાણકારી આપી હતી.
મંત્રાલયે તેની સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષામાં ખલેલ પહોંચાડવા, લોકોમાં ભય ફેલાવવા અને છેલ્લા પાનખરનાં રમખાણોની વર્ષગાંઠ પર અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે 30 સ્થાનો પર વિસ્ફોટોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુપ્તચર દળોએ તેહરાન, અલ્બોર્ઝ અને પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતોમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરીને આતંકવાદી નેટવર્કના તમામ સભ્યોની ધરપકડ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ધરપકડ કરાયેલા લોકો ઇસ્લામિક સ્ટેટ (IS) જૂથ સાથે જોડાયેલા હતા અને તેમાંથી કેટલાક સીરિયાના ‘તકફિરી આતંકવાદીઓ’ સાથે સંપર્કો ધરાવતા હતા અથવા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇરાકી કુર્દિસ્તાન ક્ષેત્રની મુસાફરીના રેકોર્ડ ધરાવતા હતા.
સુરક્ષા જવાનોની કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં વિસ્ફોટક, બોમ્બ, તેને બનાવવા માટેની સામગ્રી, 100 ડિટોનેટર, ટાઈમ બોમ્બ બનાવવા માટેના ઈલેક્ટ્રોનિક સાધનો, 17 અમેરિકન પિસ્તોલ, તેમની બુલેટ, સ્માર્ટ કોમ્યુનિકેશન અને સેટેલાઈટ સાધનો, લશ્કરી ગણવેશ, સુસાઈડ જેકેટ અને વિદેશી ચલણ મળી આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઓપરેશન દરમિયાન બે ગુપ્તચર કર્મચારીઓ ઘાયલ થયા હતા.
(PHOTO-FILE)