રાજકોટમાં મકાન ધરાશાયી થયાં બાદ મ્યુનિ.નું તંત્ર જાગ્યું, હવે 1500 જોખમી મકાનોનો સર્વે કરાશે
રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં રવિવારે મકાન એકાએક તૂટી પડવાના બનાવ બાદ હવે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન (RMC) સક્રિય થયુ છે. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે તાત્કાલિક અમદાવાદથી ટીમને બોલાવીને ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ કરાવી દીધી છે. તેમજ બાંધકામ શાખાએ ક્ષતિગ્રસ્ત બિલ્ડીંગની દુકાનો અને ઓફિસો ધરાવનારાઓને સ્ટ્રક્ચર રિપોર્ટ આપવા સૂચના આપી છે. હાલ આ બિલ્ડીંગમાં ઓફિસ અને દુકાનધારકોને જગ્યાનો ઉપયોગ ન કરવા સૂચના પણ આપવામાં આવી છે. દરમિયાન શહેરના કેટલાક વોંકળા ( પાણીના નિકાલ માટેની કૂદરતી જગ્યા) પર બિલ્ડરોએ મકાનો બાંધી દીધા છે. આવા 1500 જેટલા મકાનો હોવાનું અનુમાન છે. આ તમામ મકાનોનો સર્વે કરાવવાનો આરએમસીએ નિર્ણય લીધો છે.
રાજકોટ મ્યુનિ.ના કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ મ્યુનિ.ની જુદી-જુદી મિલકતોના આયુષ્ય, મજબુતી, માળખાકીય સલામતી સહિતની બાબતોનો અભ્યાસ કરીને તેનો રિપોર્ટ બનાવવા માટે બે મહિના પહેલા જ અમદાવાદની એક કંપનીને રોકવામાં આવી હતી. આ કંપની શહેરની જુદી-જુદી મિલકતોનો અભ્યાસ કરી રહી છે. દરમિયાન રવિવારે સર્વેશ્વર ચોકમાં ઘટના બનતા તાત્કાલિક અમદાવાદની એજન્સીને જાણ કરવામાં આવી હતી. આથી કંપનીના પ્રતિનિધિઓ રાત્રે જ રાજકોટ આવી ગયા હતા. અને સોમવારે સવારે મ્યુનિ.ના ઇજનેરોની ટીમને સાથે રાખીને તપાસ શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં જ એજન્સી દ્વારા બનાવના કારણ અંગેનો રિપોર્ટ આપવામાં આવશે. જેમાં સ્લેબ કઇ રીતે અને શા માટે બેસી ગયો તેનું ચોકકસ કારણ જાણ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં મકાન તૂટી પડવાની ઘટના બાદ સોમવારથી શહેરના યાજ્ઞિક રોડથી સર્વેશ્વર ચોક તરફ જવાનો રસ્તો વાહનો માટે બંધ કરાયો છે. સિટી ઇજનેર, પર્યાવરણ વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસમાં ગયા હતા. અને સુરક્ષા કારણોસર આ બિલ્ડીંગના ઉપયોગ પર હાલ રોક લગાવવામાં આવી છે. વર્ષો જૂના આ બિલ્ડીંગનો સ્લેબ જેટલા ભાગમાં પડયો તેની નીચે કોઇ પિલર દેખાયો નથી. આજે પણ આ જગ્યાની નીચે વોકળાની ગંદકી જોવા મળી હતી. જોકે લાંબા સમયથી આ ભાગ પાયામાંથી નબળો પડયો હોય તે કારણે પણ દુર્ઘટના બની હોય તેવું અનુમાન છે. ત્યારે એજન્સીનો રિપોર્ટ આવે તે બાદ આગળની કાર્યવાહી કરાશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ, રાજકોટ શહેરમાં કુલ 14થી 15 જેટલા વોકળા પર બાંધકામ થયા છે. આ બિલ્ડીંગ નીચેથી વોકળાના વહેણ પસાર થઇ રહ્યા છે. આથી પાયામાં કોઇ ખામી નથી ને તે અંગે ચકાસણી કરવી અનિવાર્ય છે. બાંધકામ શાખા, ટીપી શાખા, પર્યાવરણ વિભાગને આ માટે કામ સોંપવામાં આવ્યું છે. આ ઘટના બની તે જગ્યાએ માત્ર પાર્કિગના ભાગનો સ્લેબ ધસી પડયો છે. પાયાને કોઇ નુકસાન થયું નથી. જોકે આવા બિલ્ડીંગોના પાયા વોકળામાં હોય તેની તાત્કાલિક ચકાસણી કરવી અનિવાર્ય છે. જેને લઈને મ્યુનિ. દ્વારા ચોમાસામાં વધુ જોખમી બનતા 1500 જેટલા બાંધકામોનો સરવે કરવા નિર્ણય લેવાયો છે.