1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન, 4થી ઓકટોબરે વધુ સુનાવણી
અમદાવાદમાં રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન, 4થી ઓકટોબરે વધુ સુનાવણી

અમદાવાદમાં રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન, 4થી ઓકટોબરે વધુ સુનાવણી

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર સામે એએમસીએ નવી પોલીસી બનાવી છે. પરંતુ નવી પોલીસીના અમલ બાદ પણ શહેરમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારને રખડતા ઢોર, ટ્રાફિક અંકુશ અને ખરાબ રસ્તા માટે નિર્દેશો બહાર પાડ્યા હતા. પરંતુ બંને ઓથોરિટી દ્વારા સતત કોર્ટમાં કાગળિયા ફાઈલ કરાયા છે, પરંતુ કોઈ એક્શન ગ્રાઉન્ડ પર લેવાયા નથી. નવી પોલિસી બાદ લીધેલા પગલા, જવાબદાર અધિકારીઓના નામ સાથે એફિડેવિટ ફાઈલ કરવા એએમસીના કમિશનરને આદેશ કરવામાં આવ્યો હતો. આ મામલે 4 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર સામે એએમસીએ નવી પોલીસી બનાવ્યા બાદ પણ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે પોલિટેક્નિક, સહજાનંદ કોલેજ નજીક રોડ પર બેઠેલા ઢોર નજરે જોયા છે. રજિસ્ટ્રેશન ન થયેલા ઢોર સિટી બહાર મોકલો છો તો સિટી બહાર સાણંદ સહિતની સ્થિતિ જોવા પણ કોર્ટે કહ્યું છે.

ગુજરાત હાઈકોર્ટમાં બપોર બાદ પક્ષકારો ફરી કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. જેમાં અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ કેસમાં ફક્ત AMC કમિશનરે જ એફિડેવિટ ફાઈલ કરી છે. રાજ્ય તરફે ચીફ સેક્રેટરીએ એફિડેવિટ ફાઈલ કરી નથી. ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીઓને ફક્ત કાર્ય કરવાના નિર્દેશ આપવાના છે. જવાબદાર અધિકારીઓના ફોન અને ઇ મેઇલ પબ્લિક ડોમેનમાં મુકાય એટલે ફક્ત ફરિયાદો જ નહિ, પરંતુ અધિકારી અને કર્મચારીઓની પ્રશંસા પણ થાય. ભારે ટ્રાફિકવાળા વિસ્તારમાં ટ્રાફિક હેન્ડલિંગ માટે જે તે વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીને રાખવામાં આવે તે જરૂરી છે.

AMCએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં AMC દ્વારા આ કેસમાં 18 એફિડેવિટ અને રાજ્ય દ્વારા 9 એફિડેવિટ ફાઈલ કરાઈ છે. હાઇકોર્ટે આ કેસમાં અગાઉ કુલ 30 નિર્દેશો આપ્યા હતા. જેમાંથી 9 રસ્તાના છે,  8 નિર્દેશો ટ્રાફિકને લગતા છે. જ્યારે 11 નિર્દેશો રખડતા ઢોર માટેના છે. AMCએ ઢોરને લગતી પોલિસી બનાવ્યા બાદ 20 હજાર રખડતા ઢોરને અમદાવાદ શહેરની બહાર મોકલાયા છે. પોલિસી મુજબ અમદાવાદ શહેરમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આણંદ અને નડિયાદ અમદાવાદ જેટલા વિકસિત નહિ હોવાથી ત્યાં કાર્ય થતાં થોડી વાર લાગશે. AMCએ ઢોરને લગતા કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું છે. ઢોર માલિકોને દંડ અને તેમની સામે FIR કરાઈ છે.

આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, આ બધું કર્યા છતાં ગ્રાઉન્ડ પર રિઝલ્ટ દેખાતું નથી, બધું પેપર પર જ છે. AMCએ કહ્યું હતું કે, પકડાયા બાદ ઢોર માલિકો જામીન પર છૂટી જાય છે. બાદમાં ફરી આવું કામ કરે છે. જો કે, તેઓ અભણ છે, તેમને સમજાવવા પડે છે. જ્યાં સુધી રોડની વાત છે તો મુખ્ય રસ્તાઓ ઉપર દબાણો હટાવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, મણિનગર, ઇસનપુર, સહજાનંદ કોલેજ, અટીરા વગેરે જગ્યાએ ઢોર રસ્તા પર જોવા મળે છે. જેમાં AMCએ જણાવ્યું હતું કે, ઢોર માલિકોના જીવન નિર્વાહનો પણ પ્રશ્ન છે. અમદાવાદમાંથી દરરોજ 100 ઢોર પકડવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે, જો AMC ઢોરને અમદાવાદ બહાર રોડ ઉપર છોડી મૂકતી હોય તો આ કેવા પ્રકારની પોલિસી છે. કોર્ટે હુકમ કર્યો હતો કે, ઢોર પોલીસીના અમલને લગતા અધિકારીઓ અને કર્મચારીઓના નામ AMC કોર્ટને આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ટૂંકી એફિડેવિટ ફાઈલ કરશે. જેમાં રોડ, ટ્રાફિક અને ઢોરના નિવારણને લગતું મિકેનીઝમ દર્શાવ્યું હશે. આ સાથે રાજ્ય સરકાર પણ એફિડેવિટ ફાઈલ કરશે. આ મુદ્દે 4 ઓકટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code