ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ લેવા કોઈનેય રસ નથી, ત્રીજીવાર ટેન્ડર બહાર પડાયું
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવા માટે બેવાર ટેન્ડર બહાર પડાયા છતાંયે કોઈ એજન્સી કોન્ટ્રાક્ટ લેવા તૈયાર થતી નથી. એટલે ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં હાલ ઢોર પકડવા માટે જે એજન્સીની સમયમર્યાદા પુરી થઇ ગઇ હોવા છતાં તે એજન્સી પાસે જ કામ લેવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં રખડતા ઢોરને પકડીને ઢોર ડબ્બામાં મૂકવા સુધીની કામગીરી કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ એજન્સીની મુદ્દત પુરી થતી હોવાથી નવી એજન્સી નિયત કરવા અને કામગીરીનો વ્યાપ વધારવા માટે મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડ્યું હતું. કુલ 1.68 કરોડ રૂપિયાની કામગીરી હોવા છતાં એકપણ એજન્સીએ ટેન્ડર ભર્યું ન હતું. બે વખતના પ્રયાસો નિષ્ફળ રહેતા ફરીએકવાર પ્રયાસ કરવામાં આવ્યો છે અને ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જોકે તેમાં પણ હજુ સુધી કોઇ એજન્સીએ રસ દાખવ્યો નથી. આ જ પ્રકારની સ્થિતિ કૂતરા પકડવાની અને ખસીકરણની કામગીરી છે. 2.50 કરોડનું ટેન્ડર અગાઉ બહાર પાડ્યા બાદ તેના માટે પણ કોઇ એજન્સીએ ટેન્ડર નહીં ભરતા બીજીવખત બહાર પાડવાની મ્યુનિ.ના સત્તાધિશોને ફરજ પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને રખડતા ઢોર માટે નવી પોલીસી અમલમાં મુક્યા બાદ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ ઢોર નિયંત્રણની નવી પોલીસી તૈયાર કરવાની કવાયત શરૂ કરી હતી પરંતુ હજુસુધી આ પોલીસી ફાઇનલ થઇ શકી નથી. બીજીતરફ પશુપાલકોના રજિસ્ટ્રેશન માટે પણ કોઇ એજન્સી નહીં આવતા આખરે મ્યુનિ.એ જાતે કામગીરી શરૂ કરી છે. કોઇ એજન્સીએ રસ નહીં દાખવતા મ્યુનિ,એ જાતે કામ શરૂ કર્યું છે.