અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાની ઘડીઓ ગણી રહ્યા છે. ત્યારે મંગળવારે 42 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જો કે, જુનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ, બનાસકાંઠાના અમિરગઢ, અમરેલી શહેર, સાબરકાંઠાના પોશીના, છોટાઉદેપુરમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મહેસાણાના જોટાણા, કડી, ગાંધીનગર, વલસાડના કપરાડા, ગીર સોમનાથના તલાળા, સહિત 42 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. વરસાદી ઝાપટાંને કારણે ભાદરવાની ગરમીથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠેકડ પ્રસરી ગઈ હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે રાજ્યના 42 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જેમાં જુનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ, બનાસકાંઠાના અમિરગઢ, અમરેલી શહેર, સાબરકાંઠાના પોશીના, છોટાઉદેપુરમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકામાં વરસાદના સામાન્ય ઝાંપટાં પડ્યા હતા.દરમિયાન અમારા પ્રતિનિધિના અહેવાલમાં જણાવ્યા મુજબ બનાસકાંઠામાં દરમિયાન ભારે ઉકળાટ અને ગરમી બાદ સાંજના સમયે પાલનપુર સહિત આજુબાજુ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. વરસાદને લઈ પાલનપુર શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અમીરગઢ ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં બપોર બાદ વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમીરગઢમાં સારા વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જેમા મુખ્ય બજારમાં આવેલ ચાંદની ચોક વિસ્તાર અમીરગઢ આર આર વિદ્યાલય ફોરેસ્ટ ઓફિસ આગળ સવિતા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
ગુજરાતમાં મંગળવારે રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન 13 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં છોટાઉદેપુરમાં એક ઈંચ તથા જોટાણા, કલોલ, લાઠી, અમરેલી, કડી, ગાંધીનગર, કપરાડા, દેહગામ, ધારી, બારડોલી, રાજકોટ, અને કપડવેજમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા.