આ રાજ્યમાં 2 દિવસ માટે શાળાઓ બંધ,સરકારે લીધો નિર્ણય
ઇમ્ફાલ: મણિપુરમાં સ્થિતિ ફરી વણસી રહી છે. માત્ર 5 દિવસની રાહત બાદ સરકારે ફરીથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા બાદ મણિપુર સરકારે ફરીથી શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે. ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન સ્કૂલ્સે જાહેરાત કરી છે કે રાજ્યની તમામ સરકારી અને બિન-સરકારી શાળાઓ 27 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી રહી છે.આ અંગે વધુ માહિતી માટે વાલીઓ શાળા પ્રશાસન પાસેથી માહિતી મેળવી શકે છે. જોકે સત્તાવાર નોટિસમાં બંધના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ અહેવાલો દર્શાવે છે કે મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કાર્યવાહીમાં 45 વિદ્યાર્થીઓ ઘાયલ
અહેવાલ મુજબ, મણિપુરની ઇમ્ફાલ ખીણમાં પોલીસે જુલાઇમાં કથિત રીતે અપહરણ કરાયેલા બે યુવાનોની હત્યાના વિરોધમાં ટોળા પર ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો, જેમાં 45 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. તેથી, તમામ રાજ્ય સરકાર, રાજ્ય સરકાર અનુદાનિત અને ખાનગી બિન-અનુદાનિત શાળાઓ બુધવાર અને શુક્રવારે બંધ રહેશે.
ફરી ઇન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં પ્રતિકૂળ પરિસ્થિતિને જોતા મણિપુર સરકારે આગામી 5 દિવસ પછી ફરી ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. અગાઉ, સીએમ એન. બિરેન સિંહે 23 સપ્ટેમ્બર, 2023 ના રોજ ચાલુ ઇન્ટરનેટ પ્રતિબંધ હટાવી લીધો હતો. મણિપુરમાં 3 મે, 2023થી ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.