અમદાવાદમાં 14મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો માટે પડાપડી
અમદાવાદઃ દેશમાં આગામી 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ મેચનો પ્રારંભ થશે, અને એમાં 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે. ક્રિકેટના મહાકુંભમાં પ્રખર પ્રતિસ્પર્ધી એવા ભારત-પાકિસ્તાન ટકરાય ત્યારે તો માહોલ કંઇક ઓર જામતો હોય છે. ખેલાડીઓ તો પ્રેશરમાં હોય છે, પણ સાથે સાથે દર્શકો પણ એક અલગ જ પ્રકારના પ્રેશરનો અનુભવ કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં રમાનારી આ હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચની ટિકિટ માટે પડાપડી થઈ રહી છે. ડબલ ભાવ આપવા છતાં પણ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ મળતી નથી.
પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારતની ધરતી પર આવી ચુકી છે. સાત વર્ષ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતની ધરતી પર આવી છે. આ અગાઉ પાકિસ્તાનની ટીમે વર્ષ 2016માં ટી 20 વર્લ્ડ કપ દરમ્યાન ભારતનો પ્રવાસ કર્યો હતો. ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરુ થશે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.
આઈસીસી વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત આ વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભારતે 12 વર્ષ પહેલા ઘરમાં જ રમાયેલ 2011 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારે આવા સમયે 2023નો વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. રોહિત શર્માની કપ્તાનીમાં આ વખતે ટીમ ઈંડિયા આઈસીસી ટ્રોફી જીતવા માટે તનતોડ મહેનત કરશે.
વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે, જેને લઇને દર્શકોમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે અને ટિકિટ લેવા પડાપડી થઇ રહી છે. આ મેચ જોવા માટે દર્શકો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી અલગ-અલગ ઓનલાઇન સ્લોટ દ્વારા ટિકિટનું વેચાણ થતું હતું, પરંતુ જેવો ટિકિટનો સ્લોટ ખૂલે અને તરત જ બુકિંગ ફુલ થઇ જાય છે, જેના કારણે દર્શકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ બધા વચ્ચે હજુ પણ આશાવાદી દર્શકો આગામી દિવસોમાં ફરીથી ટિકિટના સ્લોટ ખોલવામાં આવે એની રાહ જોઇ રહ્યા છે.
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની શરૂઆતની કિંમત જ 2 હજાર રૂપિયાની છે, જે ટિકિટ વેચવા મૂકતાં તરત જ વેચાઈ જાય છે. અત્યારે પણ ઓનલાઇન ટિકિટનો ભાવ 10 હજાર રાખવામાં આવ્યો છે, જેનું વેચાણ શરૂ થયું નથી. તો પેવેલિયનની ટિકિટ 75 હજાર રૂપિયા સુધી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે તમામ દર્શકો કોઇપણ ભોગે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક કરાવવા પ્રયાસ કરી રહ્યા છે.