ગુજરાતી પુસ્તક ‘અદ્વૈતનું ભવ્ય ગીત :અષ્ટાવક્ર ગીતા’નું વિમોચન
અમદાવાદઃ જાણીતા લેખક દીપક ત્રિવેદી દ્વારા લિખિત પુસ્તક ‘અદ્વૈતનું ભવ્ય ગીત :અષ્ટાવક્ર ગીતા’નું વિમોચન કરવામાં આવ્યું હતું. 258 કવિઓની કલ્પના અષ્ટાવક્રજીના તત્વ જ્ઞાન સાથે જોડીને પ્રસ્તુત કરાઈ છે. તેમજ 158 કવિઓના કાવ્યસંગ્રહમાંથી પસાર થઈને 37 સંદર્ભગ્રંથો રીફર કરીને આ પુસ્તકનું અવતરણ થયું છે.
પ્રખર સંસ્કૃત જ્ઞાતા, લેખક, ચિંતક, વક્તા, પ્રાધ્યાપક, રાષ્ટ્રપતિજી દ્વારા સન્માનિત ગુજરાતના ઘરેણાં સમાન વિજયભાઈ પંડ્યાએ આ પુસ્તક વિમોચીત કરીને વક્તવ્ય આપ્યું હતું. દ્વૈત-અદ્વૈત, અષ્ટ અને અવક્ર, માહિતી-જ્ઞાન-ચેતના-અનુભુતી વગેરે ઉપર એમણે અષ્ટાવક્રજીના વિચારોને સરળ શબ્દોમાં મૂકીને મંત્રમુગ્ધ કરી દીધા. સંસ્કૃત જ્ઞાતા મિત્ર ડૉ. સ્નેહલ જોશીએ ભાઈ દીપકના પુસ્તકનો મઝાનો ઉઘાડ આપ્યો હતો.
સર્જક, ચિંતક, વક્તા, કોલમિસ્ટ મિત્ર ડૉ. મુકેશ જોશીએ અષ્ટાવક્રજીના જીવનના વિવિધ પાસા અને આત્મા પરમાત્મા ઉપરના બોધના સાગરને ગાગરમાં લાવીને સૌને પ્રેમથી પાયો હતો. નવભારત સાહિત્ય દ્વારા ‘અદ્વૈતનું ભવ્ય ગીત : અષ્ટાવક્ર ગીતા’ પુસ્તક પ્રકાશિત કરાયું છે.
અષ્ટાવક્ર ગીતા ઉપર ગુજરાતીમાં સંશોધન પુસ્તકો લખવા ઉપર બહુ ઓછું કામ થયું છે. જોકે હિન્દી, અંગ્રેજી વગેરે ભાષામાં આ દિશામાં ઘણું કામ થયું છે. આ પ્રસંગ્રે ડૉ. કેશુભાઈ દેસાઈ, કવિ રાકેશભાઈ હાંસલીયા, દિનેશભાઇ કાનાણી, પ્રદીપભાઈ રાવલ, કિશોરભાઈ જીકાદરા, કલ્પેશભાઈ પટેલ, અનિલાબહેન, સંજયભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
(Pulak Trivedi)
(તસવીર-સોશિયલ મીડિયા)