મહેસાણાઃ જિલ્લાના કડી તાલુકાના જોટાણા ગામે ધોળા દહાડે ધાડપાડુઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા. અને કોંગ્રેસના નેતાના ઘરમાં ઘૂંસીને પરિવારની મહિલાઓને બંધક બનાવીને લાખો રૂપિયા અને 80 તોલા સોનાની લૂંટ કરીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાને એક સપ્તાહ થયું હોવા છતાં પોલીસ લૂંટારાઓને પકડવામાં સફળ થઈ નથી. આ ઘટનાને પગલે ગ્રામજનો રોષે ભરાયાં છે અને સમગ્ર જોટાણાનું બજાર બંધ રાખવા નિર્ણય કર્યો હતો જેને પગલે બજાર સ્વયંભૂ બંધ રહ્યા હતા. હવે ગ્રામજનો દ્વારા આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ બનાવની વિગતો એવી હતી કે, મહેસાણાના જોટાણા ગામમાં ધોળે દહાડે ધાડપાડુઓ ત્રાટક્યા હતા, અને કોંગ્રેસના નેતાના ઘરમાં ઘૂંસીને પરિવારની મહિલાઓને બંધક બનાવીને લાખો રૂપિયા અને 80 તોલા સોનાની લૂંટ કરીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતાં. બનાવ બાદ પોલીસને લૂંટારૂ ટોળકીનો કોઈ સુરાગ મળ્યો નથી. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાર દિવસ પહેલાં જ ગ્રામજનોએ લૂંટારાઓને પકડવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એ સમયે ગ્રામજનોએ ગામમાં સંપૂર્ણ બંધના એલાનની પણ ચીમકી ઉચ્ચારી હતી. અને સોમવારે ગામની બજારો સજ્જડ બંધ રહી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે, જોટાણામાં મોટું માર્કેટ છે અને અહીં પોલીસ ચોકીની કોઈ વ્યવસ્થા નથી. અહીં અવારનવાર ગુનાઈત પ્રવૃત્તિઓ થતી હોય છે. જેથી પોલીસ પોઈન્ટ નહીં હોવાના કારણે ગ્રામજનો પરેશાન છે. લૂટારૂ ટોળકી અંગે પોલીસને હજુ સુધી કોઈ સુરાગ મળ્યા નથી. મોટુગામ હોવાથી ગામમાં પોલીસ ચોકી ઊભી કરવામાં આવે તેમજ લૂંટારૂ શખસોને ઝડપી લેવામાં આવે તેવી માગ ઊઠી છે.