ભાવનગરના માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ, રૂપિયા 1142થી 1561ના ભાવ બોલાયા
ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ચોમાસાના આગમન ટાણે જ સારા વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું હતું. જો કે ચામાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમયાંતરે પડેલા ભારે વરસાદને લીધે કપાસ સહિતના પાકને થોડુઘણું નુકશાન પણ થયું હતુ. જિલ્લામાં આ વર્ષે 2,56,600 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયુ હતું. કપાસનો પાક તૈયાર થઈ જતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે કપાસની હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના નીચા ભાવ 1142 રૂપિયા રહ્યાં હતાં અને ઉંચા ભાવ 1561 રૂપિયા રહ્યા હતાં. માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઉપરાંત મગફળી નવી, તલ, ઘઉં, બાજરો, ચણા, મેથી સહિતના વિવિધ પ્રકારના જણસીની આવક થઈ રહી છે.
માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ નવી મગફળીના 1260 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં તલની હરાજી કરવામાં આવી હતી. જેના એક મણના નીચા ભાવ 2,790 રૂપિયા સુધીના રહ્યાં હતા અને ઉંચા ભાવ 380 રૂપિયા સુધીના રહ્યાં હતાં. માર્કેટિંગ યાર્ડમાં બાજરીની હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના નીચા ભાવ 398 રૂપિયા રહ્યાં હતાં અને ઉંચા ભાવ 444 રૂપિયા રહ્યાં હતાં. જ્યારે યાર્ડમાં મેથીની હરાજી કરવામાં આવી હતી. જેના એક મણના ઉંચા ભાવ 1200 રૂપિયા સુધીના રહ્યાં હતા. માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. જેને એક મણના નીચા ભાવ 1000 રૂપિયા સુધીના રહ્યાં હતાં અને ઉંચા ભાવ 1200 રૂપિયા સુધીના રહ્યાં હતાં. કપાસ આવક શરૂ થતાં સોમવારથી હરાજી કરવામાં આવી રહી છે. કપાસમાં ભેજનું પ્રમાણ હોય તો પુરા ભાવ ઉપજતા નથી.
ગોહિલવાડ પંથક ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. પાક પરિપક્વ થતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ નવી ફસલની આવકથી ધમધમી રહ્યું છે.સોમવારે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1,481 રૂપિયા ભાવ રહ્યો હતો.જ્યારે યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. અને કપાસનો ભાવ 1,200 રૂપિયાથી લઇને 1,571 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા યાર્ડમાં સોમવારે 9,500 મણ કપાસની આવક થઇ હતી.