એશિયન ગેમ્સઃ ભારતીય ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું
નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની જીત સાથે શરૂઆત થઈ છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં નેપાળને 23 રને હરાવ્યું હતું. ટોચની ક્રમાંકિત ટીમ હોવાના કારણે ભારતને ક્વાર્ટર ફાઇનલમાં સીધી રમવાની તક મળી હતી અને ટીમ ઇન્ડિયાએ નેપાળને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ચાર વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ નવ વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે બેટ વડે સદી ફટકારી હતી અને 49 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ ભારત માટે પોતાની પ્રથમ મેચ રમી રહેલા રવિ સાંઈ કિશોરે ફિલ્ડિંગમાં રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ચાર વિકેટે 202 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 100 રનનું યોગદાન આપ્યું હતું. રિંકુ સિંહે 37 રન, ઋતુરાજ અને શિવમ દુબેએ 25-25 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી દીપેન્દ્ર સિંહે બે વિકેટ ઝડપી હતી. સોમપાલ કામી અને લામિછાનેને એક-એક વિકેટ મળી હતી. નેપાળની ટીમ નવ વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. દીપેન્દ્ર સિંહે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. સંદીપ જોરા અને કુશલ મલ્લાએ 29 રન, કુશલ ભુર્તેલે 28 રન અને કરણે 18 રનનું યોગદાન આપ્યું હતું. જેના કારણે નેપાળની ટીમ ભારતને ટક્કર આપવામાં સફળ રહી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપે બે અને આર સાઈ કિશોરને એક વિકેટ મળી હતી.