અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી વર્લ્ડ કપ ક્રિકેટ મેચને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. તેથી ક્રિકેટ મેચના દિને લોકોની સુવિધા માટે મેટ્રો ટ્રેન મોડી રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. સ્ટેડિયમની નજીક જ મેટ્રો સ્ટેશન છે. તેથી ઘણાબધા લોકો પોતાના ખાનગી વાહનોમાં આવવાને બદલે મેટ્રો ટ્રેનમાં સ્ટેડિયમ પહોંચવાનું પસંદ કરતા હોય છે.
ગુજરાત મેટ્રો રેલ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં જે તારીખે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાશે તે દિવસે મેટ્રો ટ્રેન સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી દોડાવાશે. હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. પરંતુ વર્લ્ડકપ ક્રિકેટ મેચના દિને લોકોની સુવિધા માટે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસના દ્વાર જ ખોલવામાં આવશે.મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે 50નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે. આથી લોકો સ્ટેડિયમમાંથી બહાર આવીને સીધા જ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે.