શારદીય નવરાત્રિ પર્વ સાથે જોડાયેલુ છે ધાર્મિક મહત્વ…
ચૈત્ર અને શારદીય નવરાત્રિની ધાર્મિક માહોલમાં સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. પંચાગ અનુસાર ગુજરાતમાં શારદીય નવરાત્રિ આસોવદ 1થી ઉજવણી કરવામાં આવે છે, નવ દિવસ ધાર્મિક માહોલમાં ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં 15મી ઓક્ટોબરથી નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થશે અને 24મી ઓક્ટોબરના રોજ અસત્ય ઉપર સત્યના વિજયનો પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં 15મી ઓક્ટોબરથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં રામલીલા સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના પર્વની ઉજવમી કરાશે.
હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથો અનુસાર, શક્તિની અધિષ્ઠતા દેવી માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરીને આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો અને સત્કર્મોની પ્રેણતાની રક્ષા કરી હતી. મા દુર્ગાએ મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને દસમાં દિવસે તેનો વધ કરીને અસુરી શક્તિનો નાશ કર્યો હતો. આ સમય આસો મહિનો હતો. જેથી આ મહિનામાં નવ દિવસ શક્તિની આરાધના કરવામાં આવે છે. પંચાગ અનુસાર આસો મહિનામાં શિયાળો એટલે કે શરદ ઋતુનો પણ પ્રારંભ થાય છે. જેથી શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે. શારદીય નવરાત્રિના 10માં દિવસે વિજ્યાદશમીની ઉજવણી કરાય છે.
માતા ભગવતી દેવી દુર્ગાએ મહિષાસુર નામના અસુર સાથે નવ દિવસ યુદ્ધ કર્યું અને નવમાં દિવસની રાત્રિએ તેનો વધ કર્યો હતો. તે સમયથી માતાજીને મહિષાસુરમર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી મા દુર્ગાની શક્તિને સમર્પિત નવરાત્રિનું વ્રત કરવાની સાથે તેમના 9 સ્વરૂપોની પુજા કરવામાં આવે છે.
અન્ય કથા અનુસાર, ભગવાન શ્રીરામજીએ દુષ્ટ રાવણનો વધ કર્યો હતો.આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે નારદજીએ ભગવાન શ્રી રામજીને નવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરવા માટે અનુરોધ કર્યો હતો. ભગવાન શ્રી રામજીએ વ્રતને પૂર્ણ કર્યા બાદ લંકા ઉપર આક્રમણ કરીને રાવણનો વધ કર્યો હતો. ત્યારથી નવરાત્રિ વ્રત કાર્યસિદ્ધિ માટે કરાય છે.