આણંદ રેલવે સ્ટેશને હવે દિલ્હી-ચેન્નાઈ જતી વધુ 3 ટ્રેનના સ્ટોપેજ અપાતા પ્રવાસીઓને રાહત
આણંદઃ અમદાવાદ-મુંબઈ રેલ કોરિડોર વચ્ચે આણંદ શહેર આવેલું છે. રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનો પસાર થાય છે. અને આણંદ રેલવે સ્ટેશન મહત્વનું જંકશન પણ છે. છતાં ઘણીબધી ટ્રેનોને સ્ટોપેજ અપાયા નથી. જેમાં ચેન્નાઇ અને દિલ્હી તરફ જતી ટ્રેનના સ્ટોપેજની માંગણી છેલ્લા ઘણાં સમયથી મુસાફરો દ્વારા કરવામાં આવતી હતી. જેથી આ અંગે સાંસદે રેલવે વિભાગમાં રજુઆત કરી હતી. જેના પગલે ત્રણ ટ્રેનના સ્ટોપેજ આણંદ રેલ્વે સ્ટેશનને મળ્યાં છે. જે ટ્રેનોના નડિયાદ પણ સ્ટોપેજ છે. જેને લઇ ચરોતરમાં આનંદની લાગણી વ્યાપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ વ્યાપારિક, ઔધોગિક અને શૈક્ષણિક કાર્યથી ધમધમતો જિલ્લો છે. આ વિસ્તારના સાંસદ મિતેષ પટેલ દ્વારા રેલવે મંત્રાલયને આણંદ રેલવે સ્ટેશન પર વધુ ટ્રેનોને સ્ટોપેજ આપવા રજુઆત કરવામાં આવી હતી. જેને રેલવે વિભાગ દ્વારા માન્ય કરવામાં આવી છે. આણંદ રેલવે સ્ટેશને ગરીબ રથ એક્સપ્રેસ, એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ – અમદાવાદ હમસફર એક્સપ્રેસ, અને ચેન્નાઇ એગમોર – જોધપુર એક્સપ્રેસ એમ ત્રણ ટ્રેનના સ્ટોપેજ મળ્યાં છે.
આણંદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી દિલ્હી સરાય રોહિલા – બ્રાંદ્રા (ટી) ગરીબ રથ એક્સપ્રેસને આણંદ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના રોજ મળશે. જે આણંદ સ્ટેશન પર રાત્રે 1:42 વાગ્યે પહોંચશે. આ ટ્રેન બ્રાદ્રા (ટી)થી ઉપડી આણંદ સ્ટેશન પર સાંજે 5:26 વાગ્યે પહોંચશે. તેવી જ રીતે એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ – અમદાવાદ હમસફર એક્સપ્રેસ (સપ્તાહમાં એક વાર – ગુરૂવાર) આણંદ પર સાંજે 7:10 વાગ્યે સ્ટોપ કરશે. અમદાવાદ – એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ (સપ્તાહમાં એક વાર સોમવાર) આણંદ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જે રાત્રે 10:34 વાગ્યે મળશે.
આ ઉપરાંત ચેન્નાઇ એગમોર – જોધપુર એક્સપ્રેસ (સપ્તાહમાં એક વાર) આણંદ સ્ટોપેજ રાત્રે 19:15 વાગ્યે મળશે. જોધપુર – ચેન્નાઇ એગમોર એક્સપ્રેસ (સપ્તાહમાં એકવાર) આણંદ પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન મંગળવારના રોજ મળશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ રેલ સુવિધા વધતા પ્રવાસી મુસાફરોની યાતાયાત વધુ સુગમ બનશે.વળી છેલ્લા ઘણા સમયથી ગરીબરથ એક્સ્પ્રેસને સ્ટોપેજ આપવા માંગ પ્રબળ બની હતી. જે પૂરી થતા ચરોતરવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. ત્યારે, આણંદના સાંસદ મિતેષ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.