વર્લ્ડ કપ 2023ને લઈને દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય,મેચના દિવસોમાં મોડી રાત સુધી દોડશે ટ્રેન
- દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય
- વર્લ્ડ કપ 2023ને લઈને લીધો નિર્ણય
- મેચના દિવસોમાં મોડી રાત સુધી દોડશે ટ્રેન
દિલ્હી:રાજધાની દિલ્હીમાં રમાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 મેચોને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો (DMRC) એ તેની છેલ્લી ટ્રેનનો સમય લગભગ 30 મિનિટ વધારી દીધો છે. વર્લ્ડ કપની પાંચ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન સ્ટેડિયમની નજીક છે. મેટ્રો અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે તમામ લાઇન પર ટ્રેનોની સેવા અડધો કલાક વધારવામાં આવશે જેથી મુસાફરો સરળતાથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.
DMRCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,7, 11, 15, 25 ઓક્ટોબર અને 6 નવેમ્બર 2023 ના નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ) માં આયોજિત થનાર “ક્રિકેટ વર્લ્ડ કપ 2023 મેચો (ડે-નાઈટ) દરમિયાન મુલાકાતીઓની અવરજવરને સરળ બનાવવા માટે મેટ્રોએ તમામ લાઇન (એરપોર્ટ એક્સપ્રેસ લાઇન સિવાય) પર તેની છેલ્લી ટ્રેનના સમયમાં નાના ફેરફારો કર્યા છે.
નિવેદન અનુસાર, “મેચ સમાપ્ત થયા પછી નજીકના મેટ્રો સ્ટેશનો પર ભીડમાં અચાનક વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, દિલ્હી મેટ્રોએ તમામ લાઇન પર તેની છેલ્લી ટ્રેનનો સમય લગભગ 30 મિનિટ સુધી લંબાવ્યો છે “. આ સાથે, મુલાકાતીઓ મેટ્રોનો ઉપયોગ કરીને સરળતાથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.