તેલ અવીવથી આવતી-જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ 14 ઓક્ટોબર સુધી સ્થગિત
દિલ્હી: ઇઝરાયેલ હાલમાં હમાસ તરફથી હુમલાનો સામનો કરી રહ્યું છે. શનિવારે વહેલી સવારે હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ભારતીય દૂતાવાસે ઈઝરાયેલમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. હવે એર ઈન્ડિયાએ પણ 14 ઓક્ટોબર સુધી ઈઝરાયેલની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે.
એર ઈન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી તેલ અવીવ આવનાર-જનારી ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે, તેલ અવીવથી અમારી ફ્લાઈટ્સ 14 ઓક્ટોબર, 2023 સુધી સ્થગિત રહેશે.” કંપનીના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, તેઓ આ સમયગાળા દરમિયાન કોઈપણ ફ્લાઇટમાં કન્ફર્મ રિઝર્વેશન ધરાવતા લોકોને મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે.
ભારતની રાજધાની નવી દિલ્હીથી દર અઠવાડિયે પાંચ વખત તેલ અવીવ માટે ફ્લાઇટ્સ છે. સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ છે. જો કે, હવે એર ઈન્ડિયાએ પણ શનિવારે તેલ અવીવ આવતી અને જતી ફ્લાઈટ્સ રદ કરી છે.
ઇઝરાયેલના ગાઝા પટ્ટીમાં શનિવારે વહેલી સવારે ઉગ્રવાદી હમાસે અભૂતપૂર્વ હુમલામાં હજારો રોકેટ છોડ્યા હતા. વધુમાં, હમાસના સેંકડો લડવૈયાઓ હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગે ઈઝરાયેલની સરહદમાં પ્રવેશ્યા હતા. હમાસના આ હુમલાએ ઈઝરાયેલને ચોંકાવી દીધા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇઝરાયેલમાં આ સૌથી ઘાતક હુમલો બની ગયો છે.