અમદાવાદના હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ નહીં પણ જર્જરિત ભાગને તોડવાના નિર્ણય સામે વિરોધ
અમદાવાદઃ શહેરના પૂર્વ એવા હાટકેશ્વર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવર બ્રિજ મામલે નિષ્ણાત સંસ્થાઓના સ્પષ્ટ અહેવાલો છતાં સંપૂર્ણ બ્રીજ તોડવાના બદલે ફક્ત બે સ્પાન તોડવાનો નિર્ણય કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જર્જરિત થયેલા બ્રિજને સંપૂર્ણ જમીન દોસ્ત કરવાની માગણી સાથે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જયોર્જ ડાયસ અને કાઉન્સિલર જગદીશ રાઠોડની આગેવાની હેઠળ હેઠળ ઘરણા-પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પરંતુ કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવર બ્રિજ (હાટકેશ્વર બ્રિજ) ને તોડવા માટે અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ એએમસીના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બ્રિજને સંપૂર્ણ તોડવાને બદલે જર્જરિત ભાગને તોડવાનો નિર્ણય લેવાતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહેરના મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. મેયરએ આ મામલે સ્પષ્ટતા કરી હતી. કે, હાટકેશ્વર બ્રિજ આખો તોડવામાં નહિ આવે. બ્રિજનો માત્ર જર્જરીત ભાગને તોડાશે.
એએમસીના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે અપલોડ કરવાની તારીખ 9 ઓક્ટોબર હતી. પણ ટેન્ડરને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યું નહોતું.
આ અંગે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મેયર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે એપ્રિલ 2023માં મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડવાની વાત કરી હતી વિપક્ષ દ્વારા બ્રિજને તોડવા મામલે અવારનવાર રજૂઆતો કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં બ્રિજના જર્જરિત ભાગને જ તોડવાનો નિર્ણય લીધો છે. જ્યારે બાકીના ભાગને મેન્ટેનન્સ એટલે કે રીપેર કરવાની વાત છે ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે પહેલા બ્રિજ તોડવાની વાત હતી અને હવે તેઓ માત્ર બ્રિજને રીપેર કરવાની વાત છે. આમ ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ નાગરિકોને મૂર્ખ બનાવી રહ્યા છે.