માતા વૈષ્ણો દેવી ખાતેનો સ્કાયવોક ફ્લાયઓવર તૈયાર,નવરાત્રિ દરમિયાન ભક્તોને સમર્પિત કરવામાં આવશે
શ્રીનગર: માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે મોટા સમાચાર આવ્યા છે. ભીડ વ્યવસ્થાપનમાં મદદ કરવા માટે આજે માતા વૈષ્ણો દેવી ભવન ખાતે સ્કાયવોક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્કાયવોકનું નિર્માણ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સ્કાયવોક આ નવરાત્રિમાં ભક્તોને સમર્પિત કરવામાં આવશે.
માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ સ્કાયવોક ફ્લાયઓવરના પ્રવેશદ્વાર પર લગભગ 60 ફૂટ લાંબી કૃત્રિમ ગુફાનું નિર્માણ કરી રહ્યું છે જેથી કરીને ભક્તો સ્કાયવોક ફ્લાયઓવરમાં પ્રવેશતાની સાથે જ માતા વૈષ્ણો દેવીની ગુફાનો અનુભવ કરી શકે.
300 મીટરના સ્કાયવોક પર વેઇટિંગ હોલ પણ છે. જેમાં 200 ભક્તો બેસીને આરામ કરી શકશે. સ્કાયવોકમાં 100 મીટરના અંતરે ઈમરજન્સી એક્ઝિટ ડોર પણ બનાવવામાં આવ્યા છે. સ્કાયવોક ફ્લાયઓવરમાં વુડન ફ્લોર સાથે સ્ટેનલેસ સ્ટીલની દિવાલો છે. આ પ્રોજેક્ટ હેઠળ મા વૈષ્ણો દેવીના દર્શન માટે ભવનમાં પહોંચનારા ભક્તોને હવે ભીડનો સામનો કરવો પડશે નહીં અને ના તો કોઈ પ્રકારની નાસભાગ થશે.
એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, માતા વૈષ્ણો દેવી પર આધારિત કર્ણાટકનું પ્રખ્યાત ‘યક્ષગાન’ થિયેટર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરમાં 15 ઓક્ટોબરથી પ્રથમ વખત રજૂ કરવામાં આવશે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે અહીં કહ્યું કે ગુફા મંદિરની યાત્રાને સુચારૂ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આ વર્ષના નવરાત્રિ ઉત્સવમાં નોંધણી અને RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) સેટઅપને વધુ મજબૂત બનાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. “અમે નોંધણી માટે કાઉન્ટરોની સંખ્યા વધારીને 37 કરી છે. નોંધણી પ્રક્રિયા સવારે 5 વાગ્યાને બદલે સવારે 4 વાગ્યે શરૂ થશે, જે સુનિશ્ચિત કરશે કે યાત્રાળુઓને લાંબી કતારોનો સામનો ન કરવો પડે. આ વહન ક્ષમતાના આધારે કરવામાં આવશે. યાત્રા ટ્રેકનું નિયમન કરવામાં આવશે. અમે મુસાફરી માટે RFID કાર્ડ મજબૂત કર્યા છે.”