અમદાવાદમાં બે કેમિકલ વ્યવસાયીના ત્યાં આવકવેરા વિભાગના દરોડા
અમદાવાદઃ શહેરમાં બે જાણીતા કેમિકલ જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી. બંને જૂથના લગભગ 20થી વધારે સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડો પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરોડાની આ કામગીરીમાં આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારી સહિત 100થી વધારે કર્મચારીઓ જોડાયાં છે. આઈટીની તપાસના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં જાણીતા બિલ્ડરો ઉપર આવકવેરા વિભાગે પાડેલા દરોડા બાદ આજે કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલા બે એકમો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. બંને જૂથના સંચાલકોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળ સહિત 20થી વધારે સ્થળો ઉપર સર્ચ-સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્થળો પર આઇકાર્ડ વિના આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેથી કોઇ અન્ય વ્યક્તિ અંદર પ્રવેશે નહીં અને સુચારુ રીતે આવકવેરા વિભાગ પ્રક્રિયા હાથ ધરી શકે. આવકવેરા વિભાગની તપાસમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. એક સાથે 20થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આવકવેરા વિભાગ દ્વારા બેનામી વ્યવહારો અને કરચોરી શોધી કાઢવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કેટલાક બિલ્ડરો ઉપર દરોડો પાડીને તપાસ કરવામાં આવી હતી. હવે આજે અમદાવાદ શહેરમાં બે કેમિકલ વ્યવસાયીને ત્યાં તપાસ કરવામાં આવી હતી.