જુનાગઢઃ સાસણગીર અભ્યારણ્યમાં તા.15મીને રવિવારે વનરાજોનું ચોમાસુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. અને તા.16મી ઓક્ટોબરને સોમવારથી સાસણગીર પ્રવાસીઓ માટે ખૂલશે. છેલ્લા પખવાડિયાથી સાસણગીર અભ્યારણ્ય માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અભ્યારણ્યમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સફારી પાર્કમાં નવી મોડીફાઈડ થયેલી 50 થી વધુ સફારી ગાડીઓ મુકવામાં આવશે, જેમાં અલગ અલગ કેટેગરી હશે, પ્રવાસીઓની અનુકુળતા સાચવવા હવે સાસણમાં નવી ગાડીઓમાં બેઠક વ્યવસ્થા ત્રણ કેટેગરીમાં હશે, ગાડીમાં 4, 6 અને 8 સીટર ગાડીઓ મુકવામાં આવશે. જે જિપ્સીઓમાં માલિકો દ્વારા સહકારથી આ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
સીસીએફ આરાધના શાહુના કહેવા મુજબ ગતવર્ષે સાસણ, આંબરડી, અને દેવળિયામાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 8 લાખ કરતા વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા, ત્યારે આગામી 16 ઓકટોબરથી જયારે સાસણ ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલી રહ્યું છે, જેમાં અહી આવનારા પ્રવાસીઓની સુવિધામાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સરકારની નવી પોલીસી મુજબ જુના થયેલા વાહનોને બદલવાનો નિયમ આવ્યો હતો, જે અન્વયે સફારી પાર્કમાં નવી મોડીફાઈડ થયેલી 50 થી વધુ સફારી ગાડીઓ મુકવામાં આવશે, જેમાં અલગ અલગ કેટેગરી હશે, પ્રવાસીઓની અનુકુળતા સાચવવા હવે સાસણમાં નવી ગાડીઓમાં બેઠક વ્યવસ્થા ત્રણ કેટેગરીમાં હશે, ગાડીમાં 4, 6 અને 8 સીટર ગાડીઓ મુકવામાં આવશે. જે જિપ્સીઓમાં માલિકો દ્વારા સહકારથી આ કામગીરી શરુ કરવામાં આવી રહી છે. જંગલમાં પર્યાવરણને નુકશાન ના થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતી ગાઈડની ફેસેલીટી હતી, જેમાં પણ વધારો કરીને અપગ્રેડ કરાશે. હવે ગુજરાતી ગાઈડની સાથે હિન્દી અને અંગ્રેજી ગાઈડની પણ વ્યવસ્થા કરવા માટે મંજુરી પ્રક્રિયા ચાલી રહી છે. પ્રક્રિયા બાદ અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવતા પર્યટકો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી શકાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન જંગલ વિસ્તારમાં પડેલા વરસાદના લીધે રોડ-રસ્તાઓ બિસ્માર બન્યા હતા, તેને રીપેર કરી લેવામાં આવ્યા છે, અને જંગલના રૂટ પર પણ પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી પ્રવાસીઓને સિંહ દર્શન દરમિયાન કોઈ અગવડતા ના પડે તેનું ખાસ ધ્યન રખાશે. ગત વર્ષે 8 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા, આ વર્ષે તેનાથી વધુ પર્યટકો આવે તેવી આશા છે. વર્ષોથી સાસણ ગીરમાં 181 જેટલી જિપ્સીઓ ચાલતી હતી, જેમાં સરકારના નવા નિયમ પ્રમાણે જૂની થયેલ 100 જેટલી જિપ્સીઓને બદલાવીને તેના સ્થાને નવી બોલેરો સફારીએ સ્થાન લઈ લીધું છે, આ નવી મોડીફાઈડ ગાડીઓમાં વીઆઈપી આરામદાયક સીટ મળશે, જીપ્સીમાં દરેક સીટ જોડાયેલી રહેતી, પરંતુ બોલેરો સફારીમાં દરેક સીટ પુશબેક સીટ હશે, સાથે ગાડીની અપગ્રેડ એન્જીનના કારણે પોલ્યુશન નહી થાય તેમજ ગાડીમાં સસ્પેન્સર અપગ્રેડ હોવાથી પ્રવાસીઓ આરામ દાયક અનુભવ કરશે.