1. Home
  2. ગુજરાતી
  3. આજનાં વિશ્વમાં ઘણી પ્રખ્યાત રમતગમત પ્રતિભાઓ નાનાં શહેરોમાંથી આવે છે: PM મોદી
આજનાં વિશ્વમાં ઘણી પ્રખ્યાત રમતગમત પ્રતિભાઓ નાનાં શહેરોમાંથી આવે છે: PM મોદી

આજનાં વિશ્વમાં ઘણી પ્રખ્યાત રમતગમત પ્રતિભાઓ નાનાં શહેરોમાંથી આવે છે: PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે અમેઠી સંસદ ખેલ પ્રતિયોગિતા 2023ના સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અમેઠી સંસદ ખેલ પ્રતિયોગિતા 2023માં ભાગ લઈ રહેલા લોકો સાથે જોડાવાની વિશેષ લાગણી છે. આ મહિનો દેશમાં રમતગમત માટે શુભ છે કારણ કે ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ચંદ્રકોની સદી ફટકારી છે તેની નોંધ લેતા વડાપ્રધાન એ ધ્યાન દોર્યું હતું કે અમેઠીના ઘણા ખેલાડીઓએ પણ અમેઠી સંસદ ખેલ પ્રતિયોગિતામાં ભાગ લઈને આ કાર્યક્રમો વચ્ચે તેમની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, રમતવીરોને આ સ્પર્ધામાંથી જે નવી ઊર્જા અને આત્મવિશ્વાસ મળ્યો છે, તેનો અનુભવ થઈ શકે છે અને હવે આ ઉત્સાહને સંભાળીને શ્રેષ્ઠ પરિણામો માટે તેને તૈયાર કરવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન એ કહ્યું હતું કે, “છેલ્લા 25 દિવસમાં તમે જે અનુભવ મેળવ્યો છે, તે તમારી રમતગમતની કારકિર્દી માટે મહાન મૂડી છે.” તેમણે શિક્ષક, કૉચ, શાળા કે કૉલેજના પ્રતિનિધિની ભૂમિકામાં આ મહાન અભિયાનમાં જોડાઈને આ યુવા ખેલાડીઓને ટેકો અને પ્રોત્સાહન આપનાર દરેક વ્યક્તિને અભિનંદન આપવાની તક ઝડપી લીધી હતી.

વડાપ્રધાનએ કહ્યું હતું કે, “કોઈ પણ સમાજના વિકાસ માટે એ અતિ મહત્ત્વપૂર્ણ છે કે, રમતગમત અને ખેલાડીઓને ત્યાં ખીલવાની તક મળે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનોમાં વ્યક્તિત્વનો વિકાસ રમતગમત મારફતે કુદરતી રીતે થાય છે, જ્યારે તેઓ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સખત મહેનત કરે છે, હાર્યા પછી ફરી પ્રયાસ કરે છે અને ટીમમાં જોડાઈને આગળ વધે છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારના સેંકડો સાંસદોએ પોતપોતાનાં મતદાર ક્ષેત્રોમાં રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરીને સમાજના વિકાસ માટે નવો માર્ગ તૈયાર કર્યો છે અને તેનાં પરિણામો આગામી વર્ષોમાં સ્પષ્ટપણે દેખાશે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમેઠીના યુવાન ખેલાડીઓ આગામી વર્ષોમાં ચોક્કસપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો જીતશે અને આ પ્રકારની સ્પર્ધાઓમાંથી પ્રાપ્ત થયેલો અનુભવ ખૂબ જ કામમાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “જ્યારે ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે, ત્યારે તેમનું એક જ લક્ષ્ય હોય છે – પોતાને અને ટીમને વિજયી બનાવવી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આખો દેશ અત્યારે ખેલાડીઓની જેમ વિચારી રહ્યો છે અને દેશને પ્રથમ મૂકે છે. ખેલાડીઓનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ દરેક વસ્તુને દાવ પર લગાવે છે અને દેશ માટે રમે છે અને આ સમયે દેશ પણ મોટું લક્ષ્ય હાંસલ કરી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં દેશના દરેક જિલ્લાના દરેક નાગરિકની ભૂમિકા છે. આ માટે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક ક્ષેત્રને એક લાગણી, એક ધ્યેય અને એક સંકલ્પ સાથે આગળ વધવું પડશે.

તેમણે યુવાનો માટે ટોપ્સ અને ખેલો ઇન્ડિયા ગેમ્સ જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, ટોપ્સ યોજના હેઠળ સેંકડો રમતવીરોને દેશ-વિદેશમાં તાલીમ અને કૉચીંગ આપવામાં આવી રહ્યું છે અને તેમને કરોડો રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે ખેલો ઇન્ડિયા ગેમ્સ હેઠળ 3 હજારથી વધુ ખેલાડીઓને દર મહિને રૂ. 50,000ની સહાય આપવામાં આવે છે, જે તેમને તાલીમ, આહાર, કૉચિંગ, કિટ, જરૂરી સાધનો અને અન્ય ખર્ચની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરે છે.

વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે બદલાઈ રહેલા ભારતમાં નાનાં શહેરોમાંથી પ્રતિભાઓને ખુલીને આગળ આવવાની તક મળી રહી છે તથા તેમણે ભારતને સ્ટાર્ટઅપ હબ બનાવવામાં નાનાં શહેરોનાં યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. અત્યારે દુનિયામાં રમતગમતની ઘણી પ્રસિદ્ધ પ્રતિભાઓ નાનાં શહેરોમાંથી આવે છે એ વાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ સરકારના પારદર્શક અભિગમને શ્રેય આપ્યો હતો, જેમાં યુવાનોને આગળ આવવાની અને તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક મળે છે.

તેમણે એશિયન ગેમ્સનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં મેડલ જીતનારા મોટાભાગના ઍથ્લીટ્સ નાનાં શહેરોના હતા. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર તેમની પ્રતિભાનું સન્માન કરે છે અને શક્ય તમામ સુવિધાઓ પ્રદાન કરે છે, જેનું પરિણામ આજે જોઈ શકાય છે. વડાપ્રધાનએ ઉત્તર પ્રદેશનાં અન્નુ રાની, પારૂલ ચૌધરી અને સુધા સિંહનાં પ્રદર્શન પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, “આ રમતવીરોએ પરિણામ આપ્યું છે.” વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રતિભાશાળી વ્યક્તિઓને શોધી કાઢવા અને દેશ માટે તેમનાં કૌશલ્યોમાં વધારો કરવા માટે સંસદ ખેલ પ્રતિયોગિતા શ્રેષ્ઠ માધ્યમ છે. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં તમામ રમતવીરોની મહેનતનું પરિણામ દેખાવાનું શરૂ થશે અને ઘણા રમતવીરો દેશનું અને તિરંગાનું ગૌરવ વધારશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code