અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તાજેતરમાં અંબાજી અને વલસાડ નજીકથી નકલી ઘીનો જથ્થો પકડાયા બાદ રાજકોટમાંથી પનીરનો અખાદ્ય જથ્થો પકડાયો હતો. નવરાત્રી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ત્યારે શહેરના એક કોલ્ડ સ્ટોરેજમાંથી લગભગ 600 ટન બટરનો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે. જેના સેમ્પલ કલેક્ટ કરીને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ગુજરાતમાં વિવિધ શહેરોમાંથી તાજેતરમાં જ નકલી દૂધ, નકલી ઘી, નકલી તેલ, સડેલી મલાઈ, નકલી મસાલા, નકલી માવો અને શંકાસ્પદ ગોળનો જથ્થો ઝડપાયો છે. ખાણીપીણીમાં ચાલતી મહામિલાવટના આ જીવતાજાગતા પુરાવા છે. ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ મામલે તપાસ પોલીસ અને સંબંધિત વિભાગો કરી રહ્યા છે. તમામ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તેમજ ફૂડ વિભાગને ચેકિંગ ઝૂંબેશ ચલાવવાના રાજ્ય સરકારે જ આદેશ આપ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બાતમીના આધારે રેડ પાડીને એક કોલ્ડ સ્ટોરેજમાંથી શંકાસ્પદ બટરનો 600 ટન જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ બટરનો અખાદ્ય જથ્થો એક કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ જથ્થો અલગ અલગ રાજ્યોમાંથી લવાયો હતો અને રાજ્યના તમામ શહેરોમાં મોકલવાનો હતો, પરંતુ બાતમીના આધારે કાર્યવાહી કરી એએમસીની આરોગ્ય શાખાએ આ જથ્થાને ઝડપી પાડ્યો છે.બટરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે વધુ જાણકારી પરિણામો સામે આવ્યા પછી જ બહાર આવી શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં ખાણી-પીણીની રેસ્ટોરન્ટ્સ, લારી-ગલ્લા, હોટલો વગેરેમાં અખાદ્ય ચિજ-વસ્તુઓના વેચાણ સામે એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ઘણાબધા સ્થળોએથી ખોરાકના લીધેલા સેમ્પલોમાંથી મોટાભાગના સેમ્પલ ફેલ ગયા છે. ખાસ કરીને ઘી, પનીર, માવા, કપાસિયા તેલ, પામોલિન તેલ અને સરસો તેલના સેમ્પલ ફેલ ગયા છે. (File photo)