ભારત અને શ્રીલંકા વચ્ચે બોટ સર્વિસ શરૂ,PM મોદીએ કહ્યું-આર્થિક સંબંધોમાં નવો અધ્યાય લખાયો
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસનો પ્રારંભ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અમે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ.
વીડિયો કોન્ફરન્સિંગમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઇતિહાસ ધરાવે છે અને હવે બંને વચ્ચે આર્થિક ભાગીદારી પણ વધશે. આ ફેરી સર્વિસ નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે શરૂ કરવામાં આવી છે અને તે આપણા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
આ પહેલા કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે રાષ્ટ્રપતિ વિક્રમસિંહની તાજેતરની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી વધારવા માટે સમજૂતી થઈ હતી. તેમણે કહ્યું કે કનેક્ટિવિટી આ ભાગીદારીની કેન્દ્રીય થીમ છે. કનેક્ટિવિટીનો અર્થ માત્ર બે શહેરોને નજીક લાવવાનો નથી, પરંતુ બે દેશો અને લોકોને નજીક લાવવાનો છે. કનેક્ટિવિટી વેપાર, પ્રવાસન અને લોકો વચ્ચેના સંબંધોને વધારે છે.
મળતી માહિતી મુજબ, શ્રીલંકાની ફેરી સર્વિસની ટિકિટ પ્રતિ વ્યક્તિ 7670 રૂપિયા (6500 અને 18 ટકા GST) નક્કી કરવામાં આવી હતી. નાગાપટ્ટિનમ શિપિંગ હાર્બર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે ઉદ્ઘાટન ઓફર તરીકે તેની ટિકિટ 2800 રૂપિયા (2375 વત્તા GST) નક્કી કરવામાં આવી છે.વર્તમાન ટિકિટ કિંમત પર 75 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ ફેરી સર્વિસથી તમિલનાડુથી શ્રીલંકા માત્ર ત્રણ કલાકમાં જઈ શકાય છે.