દિલ્હી: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન અજય આજે ચોથા જથ્થા સાથે દિલ્હી પહોંચી ગયું છે. ઇઝરાયેલ છોડવા ઇચ્છુક 274 ભારતીય નાગરિકોનું એક જૂથ શનિવારે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચ્યું હતું.પોતાના દેશની ધરતી પર પગ મૂકતાની સાથે જ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો. 7 ઓક્ટોબરે ગાઝામાંથી હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલના શહેરો પર થયેલા હુમલા બાદ સ્વદેશ પરત ફરવા ઇચ્છુક લોકો માટે ભારતે 12 ઓક્ટોબરે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું હતું.
તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે અગાઉ જાહેરાત કરી હતી કે શનિવારે બેન ગુરિયન એરપોર્ટ પરથી બે ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. પ્રથમ ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ સાંજે 5:40 વાગ્યે ઉપડી હતી અને બીજી ફ્લાઇટ 274 ભારતીય નાગરિકોને લઈને 11:45 વાગ્યે રવાના થઈ હતી. 197 ભારતીય નાગરિકોનો ત્રીજો જથ્થો સ્થાનિક સમય અનુસાર સાંજે 5.40 વાગ્યે (IST 8.10 વાગ્યે) ઘરે જવા રવાના થયો હતો.વિદેશ મંત્રી એસ જયશંકરે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું, “ઓપરેશન અજય આગળ વધી રહ્યું છે. મુસાફરો ભારત પરત ફરી રહ્યા છે.” ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ‘X’ પર પોસ્ટ કર્યું, ‘ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલમાં રહેતા પરંતુ ભારત પરત ફરવા ઇચ્છતા લોકો સાથે જોડાયેલ ફોર્મ તાત્કાલિક ભરવા વિનંતી છે.’
દૂતાવાસના ડેટાબેઝમાં તમામ ભારતીયોની નોંધણી કરવા માટે ભારતીય દૂતાવાસ દ્વારા શરૂ કરાયેલી ડ્રાઈવને પગલે પ્રવાસીઓની પસંદગી “પહેલા આવો, પહેલા મેળવો”ના ધોરણે કરવામાં આવે છે. તેમના પરત આવવાનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ઇઝરાયેલથી પ્રથમ વિશેષ ફ્લાઇટ ગુરુવારે 212 લોકોને લઈને રવાના થઈ હતી. 235 ભારતીય નાગરિકોની બીજી ફલાઇટ શુક્રવારે મોડી રાત્રે ઉપડી હતી. અત્યાર સુધીમાં કુલ 644 ભારતીય નાગરિકોને ઈઝરાયેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.