સુરત જિલ્લામાં શેરડી અને ડાંગરના પાકમાં યોગ્ય વળતર ન મળતા ખેડુતો ફુલોની ખેતી તરફ વળ્યાં
સુરત: દક્ષિણ ગુજરાતના ખેડુતો સારૂ ઉત્પાદન મેળવી શકાય અને વધુ વળતર મળે તેવા રોકડિયા પાકની ખેતી તરફ વળી રહ્યા છે. જેમાં સુરત જિલ્લામાં શેરડી અને ડાંગરના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. હવે ઘણા ખેડુતો શેરડી અને ડાંગરના સ્થાને ફુલોની ખેતી કરવા લાગ્યા છે. ફુલોનું ઉત્પાદન પણ સારૂએવું થઈ રહ્યું છે. માત્ર સુરત શહેર જ નહીં, ગુજરાતના અન્ય શહેરો અને છેક મુંબઈ સુધી ગલગોટા ફુલોને વેચાણ માટે મોકલવામાં આવે છે. આમ સુરત જિલ્લામાં ગલગોટાના ફૂલોની ખેતી કરી ખેડૂતો સારીએવી આવક મેળવી રહ્યા છે. હાલ નવરાત્રીના તહેવારોમાં ફુલોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે.
સુરત જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના બારડોલી તાલુકા તેમજ પલસાણા તાલુકાના ખેડૂતો ગલગોટાના ફૂલની ખેતી કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રોકડિયા પાક તરીકે ખેડૂતોએ શાકભાજી સાથે હવે ફૂલોની ખેતી કરી રહ્યા છે. શેરડીના પાકની સાથે સાથે ફૂલોની પણ ખેતી કરી ખેડૂતો પડવાસ તરીકે પણ ઉપયોગી થાય છે. ખેડુતોને ફુલોની ખેતીથી સારૂ વળતર મળી રહ્યું છે.
ખેડૂતોના કહેવા મુજબ ગલગોટા ફુલોના સારા ભાવ ઉપજી રહ્યા છે. અને ધારણા કરતા પણ ઉત્પાદ સારૂએવું થઈ રહ્યું છે. નવરાત્રી, દશેરા તેમજ દિવાળીના તહેવારોમાં આ ફૂલોનું ઉત્પાદન સાથે ભાવો પણ વધે એવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. માત્ર સુરત જ નહીં, પણ વડોદરા, નવસારી, અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્રમાં છેક મુંબઈ સુધી ફુલો વેચાણ માટે મોકલવામાં આવે છે. ફુલોની ખેતીમાં ખર્ચ ઓછો અને વળતર વધુ મળે છે.