દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઇઝરાયેલી દળોએ મંગળવારે ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલ પર હવાી હુમવો કર્યો હતો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે હોસ્પિટલ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા છે. ગાઝામાં સત્તારૂઢ હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ માહિતી આપી છે. વઘુમાં પ્રવક્તાએ કહ્યું કે ધરાશાયી થયેલી હોસ્પિટલની ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
જો કે, ઇઝરાયેલી સંરક્ષણ દળો એ હોસ્પિટલ પર બોમ્બમારો કરવાનો ઇનકાર કર્યો હતો અને હોસ્પિટલમાં વિસ્ફોટ માટે હમાસ દ્વારા નિષ્ફળ રોકેટ પ્રક્ષેપણને જવાબદાર ઠેરવ્યું હતું.ગાઝાના એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે અલ-અહલી હોસ્પિટલ પર બોમ્બ વિસ્ફોટના દિવસો પહેલા ઇઝરાયેલે ચેતવણી તરીકે બે આર્ટિલરી શેલ છોડ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના અંડરસેક્રેટરી યુસુફ અબુ અલ-રિશે જણાવ્યું કે હોસ્પિટલ પર પહેલો હુમલો શનિવારે સાંજે થયો હતો.અબુ અલ-રિશના જણાવ્યા અનુસાર, એક દિવસ પછી ઇઝરાયેલની સેનાએ હોસ્પિટલના ડાયરેક્ટરને ફોન કરીને કહ્યું કે અમે હોસ્પિટલ પર બે શેલ છોડ્યા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે મંગળવારે માહિતી આપી હતી કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હોસ્પિટલમાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા છે. ગાઝા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે હોસ્પિટલમાં આ હુમલાઓ થયા હતા તે હોસ્પિટલમાં સેંકડો બીમાર અને ઘાયલ લોકોને રાખવામાં આવ્યા હતા અને ત્યાં અન્ય લોકો પણ હતા જેઓ યુદ્ધની શરૂઆત પછી વિસ્થાપિત થયા હતા.