ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આતંકવાદીઓએ બે બંધકોને મુક્ત કર્યાં
નવી દિલ્હીઃ મધ્ય પૂર્વીય સંઘર્ષમાં તણાવ ઓછો કરવા અને નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવાના તીવ્ર રાજદ્વારી પ્રયાસો વચ્ચે શુક્રવારે હમાસ આતંકવાદી સંગઠન દ્વારા બે અમેરિકન-ઇઝરાયેલ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. 7મી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં થયેલા આતંકી હુમલામાં માતા-પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઇઝરાઇલીઓએ કહ્યું કે મહિલાઓને ઇઝરાયેલી આર્મી બેઝ પર લઈ જવામાં આવી રહી છે અને યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે યુએસ ટીમ તેમને મળવા જઇ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ કાર્યમાં ભાગીદારી માટે કતાર અને ઈઝરાયેલનો આભાર માન્યો હતો. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ કતારવાસીઓની મદદ બદલ આભાર માન્યો હતો.
ઇઝરાયેલ અને યુએસ અધિકારીઓએ આશરે 200 અન્ય બંધકોને મુક્ત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું – લગભગ 40 દેશોમાંથી – જેમનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે હમાસે કહ્યું કે તે માનવતાવાદી કારણોસર કતાર સરકાર સાથેના કરારમાં તેમને મુક્ત કરી રહ્યું છે. અન્ય બંધકોના સંબંધીઓએ મુક્તિને આવકારી હતી અને અન્યોને મુક્ત કરવા અપીલ કરી હતી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને 15 દિવસ થયો છે. બંને તરફથી સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે જેમાં 5500થી વધારે વ્યક્તિઓના મડત્યુ થયાં છે. જેમાં ઈઝરાયલના 1400 વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે ગાઝા પટ્ટી ઉપર હવાઈ હુમલામાં 4137 વ્યક્તિઓના મૃત્યુ થયું છે. આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયલ ઉપર હુમલો કર્યા બાદ ઈઝરાયલી સેનાએ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.