ગુજરાતઃ 5000 વર્ષ પહેલાં જેવું જ આબેહૂબ લોથલ શહેર ઉભુ કરાશે
- નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું નિર્માણ કરાશે
- રૂ. 4000 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે
- હેરિટેજ કોમ્પલેક્ષમાં દરેક રાજ્યની મેરીટાઇમ હિસ્ટ્રી વિશે અલગ અલગ ગેલેરી બનશે
અમદાવાદઃ 5000 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિની ધરોહર લોથલ શહેર તેની એક આગવી ઓળખ ધરાવે છે. આ લોથલ શહેરમાં ભારત સરકાર દ્વારા હાલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું 4000 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. આ નિર્માણાધિન હેરિટેજ કોમ્પલેક્ષની કેન્દ્ર સરકારનાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા તથા કેન્દ્રીય રાજ્યમંત્રી પદ યેસો નાઈકે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે; 30 એકરમાં ફેલાયેલા આ વિશાળ હેરિટેજ કોમ્પલેક્ષમાં દરેક રાજ્યની મેરીટાઇમ હિસ્ટ્રી વિશે અલગ અલગ ગેલેરી બનશે.
સાથે જ 5000 વર્ષ પહેલાં જેવું લોથલ હતું તેવું આબેહૂબ લોથલ શહેર ઉભુ કરવામાં આવશે. તેમજ લોથલ ખાતે 77 મીટર ઊંચું લાઈટ હાઉસ બનાવવામાં આવશે, જે વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ હશે અને તેની લાઈટનો પ્રકાશ અમદાવાદ શહેર સુધી દેખાશે. તેમણે ઉમેર્યું કે આ હેરિટેજ કોમ્પલેક્ષનો પ્રથમ ફેઝ જાન્યુઆરી 2024 સુધીમાં ખુલ્લું મૂકવાનું આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે જેની ભારત સહિત દુનિયાના વિવિધ દેશોએ પણ નોંધ લીધી છે. બીજી તરફ અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રે જોરદાર વિકાસ થયો છે. જેથી મોટી સંખ્યામાં નવા-નવા ઉદ્યોગો પણ ગુજરાતમાં આવી રહ્યાં છે. રાજ્યમાં મૂડી રોકાણમાં પણ વધારો થયો છે. જેના પરિણામે ગુજરાત વિકાસની હરણફાડ ભરી રહ્યું છે.