હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ગોહિલવાડ પંથકમાં રત્ન કલાકારોને મહિને 10 હજારનું કામ પણ મળતું નથી
ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી તેમજ બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગને લીધે મોટી સંખ્યામાં રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે. રત્ન કલાકાર મહિને 15થી 20 હજાર જેટલું કમાતા હતા તેથી તેમના પરિવારનું સારીરીતે ગુજરાન ચાલી જતું હતું, હાલ હીરા ઉદ્યાગમાં રશિયા અને યુક્રેન વચ્ચે અને ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે મંદીની મોકાણ ચાલી રહી છે. છેલ્લા લાબા સમયથી હીરા ઉદ્યોગ મંદી ચાલી રહી છે. હવે દિવાળીના તહેવારો નજીક આવ્યા છે ત્યારે રત્ન કલાકારોની કફોડી સ્થિતિ બની ગઈ છે. રત્ન કલાકારોને મહિને 10 હજારનું કામ પણ મળતું નથી. માત્ર આઠ રૂપિયા સુધીના કામ થાય છે તેમાં પરિવારનું ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલ છે
હીરા ઉદ્યોગમાં રશિયા યુક્રેનના યુદ્ધ બાદ મંદીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદ તૈયાર કરેલા હીરાની નિકાસ પણ અટકી ગઈ છે. બીજીબાજુ હીરા તૈયાર કરવા માટેની રફની અછત સર્જાતા સુરત અને મુંબઈના મોટા હીરાના ઉદ્યોગકારોએ પોતાનો ધંધો સ્થગિત કરવા લાગ્યા છે. તેની અસર હીરાના નાના કારખાનેદારો પર પડી છે. અને તેથી રત્ન કલાકારોની દિવાળીના તહેવારોમાં કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે. રત્ન કલાકારોને પૂરતું કામ મળતું નથી, છતાં વર્ષોથી હીરાના ધંધા સાથે સંકળાયેલા હોવાથીના છૂટકે હીરાનું કામ કરવા રત્ન કલાકારો મજબૂર છે. સરકાર પાસે રત્ન કલાકારોની આશા છે કે સરકાર રત્ન કલાકારો માટે કોઈ રાહત પેકેજ આપે તો રત્ન કલાકારોને મોટી રાહત થાય.
ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગમાં હજારોની સંખ્યામાં નાના મોટા હીરાના કારખાનાઓ આવેલા છે. અમરેલી જિલ્લામાં તો 45 થી 50 હજાર રત્ન કલાકારો આ ધંધા સાથે સંકળાયેલા છે, મોટાભાગે ખેતી આધારિત જિલ્લો હોવાથી અન્ય કોઈ એવા ઉદ્યોગો નથી કે લોકો આસાનીથી રોજી રોટી મેળવી શકે. આ અંગે હીરા એસોસિએશન પ્રમુખ કરશન ડોબરીયાએ જણાવ્યું હતું કે, સવા વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા ઉપર અમેરિકાએ પ્રતિંબધ માર્યો છે, વિશ્વમાં ઘણા બધા દેશોએ યુદ્ધને પગલે ત્યાં કાચો માલ નહીં ખરીદવાનો નિર્ણય કર્યો છે, ડોલરથી પેમેન્ટ થતા તે બેંકમાં કન્વર્ટ ન થાય, ત્યારે અમેરિકાએ પેમેન્ટ અટકાવ્યાં છે, એના માટે રશિયામાંથી જે આપણો 30 ટકાનો હિસ્સો હતો, કાચો માલ આવતો હતો તે અત્યારે બંધ થયો છે, પછી એવું નક્કી થયું કે, રશિયાનો હીરો તૈયાર હોય તે નહિ લેવાનો જેને પગલે તૈયાર હીરાની માંગ ઓછી થઈ હતી. 100 હીરા અત્યારે તૈયાર થાય તો 50 હીરા પણ કોઇ લેવા તૈયાર નથી પરિસ્થિતિ બહું ગંભીર છે.