ઉત્તર ગુજરાતમાં વાદળછાંયુ વાતાવરણ, કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટણાથી ખેડૂતો ચિંતિત
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વાદળછાયાં વાતાવરણ સાથે પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટણા પડતા ખેડુતો ચિંતિત બન્યા છે. હાલ ખરીફ પાકની સિઝન ચાલી રહી છે. અને ખેડુતોએ પકવેલો પાક હાલ ખળામાં છે. ત્યારે વરસાદી વાતાવરણને લીધે ખેડુતોમાં ચિંતા પેઠી છે. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં એકબાજુ તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોચ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વિપરિત હવામાન જોવા મળી રહ્યું છે.
ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો બાદ આકાશ વાદળછાયું બન્યુ હતુ. અને પાટણના સિદ્ધપુર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટણા પડ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં વરસાદના છાંટણાથી મગફળીના પાકમાં ખેડુતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. તો બીજી તરફ વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું ચોમાસું સારું નીવડ્યું હતું. બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી, જેના કારણે જિલ્લાના જળાશયો ભરાઈ ગયા હતા. સારા વરસાદ અને સિંચાઈ મળી રહેતા ખરીફ પાકનો સારોએવો ઉતારો થઈ રહ્યો છે. ત્યારે મગફળી, બાજરી, એરંડા જેવા પાક લણવાના સમયે સોમવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઈકબાલગઢમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના મગફળી જેવા પાકો ખળામાં પડેલા હોવાના કારણે ખેડૂતોને નુકસાની ભીતિ સેવાય રહી છે. હજુ ભારે વરસાદ થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાય જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ છે.