વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીના ત્યાં GST વિભાગના દરોડા, ઓફિસ અને ગોડાઉનમાં સર્ચ
- દિવાળી પૂર્વે જીએસટી વિભાગના ફટાકડાના વેપારીને ત્યાં તપાસ
- તપાસના અંતે કરોડની ટેક્સ ચોરી ઝડપાવાની આશંકા
- જીએસટીના દરોડાના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ
અમદાવાદઃ રાજ્યમાં જીએસટીની ચોરી કરનારા વેપારીઓ સામે જીએસટી વિભાગે લાલઆંખ કરી છે. દરમિયાન દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે હવે જીએસટી દ્વારા ફટાકડાનો વેપાર કરનાર વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન વડોદરાના સાવલીમાં જીએસટી વિભાગે ફટાકડાના વેપારીઓના ત્યાં દરોડા પાડ્યાં હતા. ફેકટરીના સંચાલકની ઓફિસ તથા ગોડાઉનમાં સર્ચ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા જાણીતા ક્રેકર્સ ગ્રુપના સાયલી સ્થિત ઓફિસ અને ગોડાઉન ખાતે મોટે સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. દરોડામાં મોટા પ્રમાણમાં કર ચોરી ઝડપાવાના સંકેતો મળી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ બેનામી વ્યવહારોનો હિસાબ મળે તેવી શક્યતા છે. દરોડામાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાનું જાણવા મળે છે. જીએસટી વિભાગના દરોડાના પગલે ફટાકડાના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી વિભાગે તાજેતરમાં જ મોબાઈલના વ્યવસાય સાથે જોડાયેલા 79 જેટલા વેપારીઓના ત્યાં સાગમટે દરોડા પાડ્યા હતા. અમદાવાદ અને વડોદરા સહિત રાજ્યભરમાં દરોડા પાડીને કરોડોની ટેક્સ ચોરી ઝડપી લીધી હતી. આ ઉપરાંત કિંમતી મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. દરમિયાન હવે ફટાકડાના વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. ફડાકડાના વેપારીના ઓફિસ અને ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી.