દિલ્હીની હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં પહોંચી,AQI 190 પર થયો રેકોર્ડ
- દિલ્હીના લોકો માટે એક મોટા સારા સમાચાર
- દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં નોંધાઈ
- એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 190 નોંધવામાં આવ્યો
દિલ્હી: દશેરા બાદ દિલ્હી ના લોકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. SAFAR-ભારત અનુસાર, બુધવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 190 નોંધવામાં આવ્યો હતો. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) ના નવીનતમ ડેટા અનુસાર, દિલ્હી યુનિવર્સિટીની આસપાસની હવાની ગુણવત્તા આજે સવારે 273 (નબળી) નોંધવામાં આવી હતી, જ્યારે નવી દિલ્હીમાં IIT વિસ્તારમાં હવાની ગુણવત્તા 173 હતી.
SAFAR અનુસાર, લોધી રોડમાં હવાની ગુણવત્તા 149 નોંધાઈ હતી જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. એટલું જ નહીં આજે સવારે સિગ્નેચર બ્રિજ અને અક્ષરધામ સહિતના વિસ્તારોમાં હવાની ગુણવત્તા 190 પર હતી. માહિતી અનુસાર, મંગળવારે દિલ્હીમાં ઓછામાં ઓછા 13 પ્રદૂષણ હોટસ્પોટ્સમાં AQI 300 થી ઉપર રહ્યો. આ સિવાય નોઈડામાં AQI 219 (ખરાબ) અને ગુરુગ્રામમાં 169 (મધ્યમ) નોંધાયું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં મુખ્ય સપાટીનો પવન ઉત્તર-પશ્ચિમ દિશાઓથી આવવાની સંભાવના છે, પવનની ઝડપ 12-16 કિમી પ્રતિ કલાક છે, જે સાંજે શાંત થઈ જશે. 26મી ઓક્ટોબરે સવાર સુધી આકાશ સ્વચ્છ રહેશે.