પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન દાઉદ ઈબ્રાહિમના વિશ્વાસુનું ભેદી સંજોગોમાં મોત
- દાઉદના સાગરિતની હત્યા કરીને અજાણ્યા શખ્સોએ લાશ નદીમાં ફેંકી હતી
- પોલીસે તેની લાશ બહાર કાઢીને પીએમ અર્થે તપાસ આરંભી
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને સમગ્ર માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓને અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીમારીને ઠાર મારવાની ઘટના બની છે. ટાર્ગેટ કિલિંગની ઘટનાથી આઈએસઆઈ સહિતની પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ પણ સ્તબ્ધ બની છે. દરમિયાન ભારતના વધુ એક દુશ્મન અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરિતની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. દાઉદના સાગરિતનું મોત કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં આશરો રહી રહેલા દાઉદ ઈબ્રાહિમનો સાગરિત મોહમદ સલીમ કરાચીની દિલ્લી કોલોનીમાં રહેતો હતો. દરમિયાન દાઉદના આ સાગરિતનું મોત થયું છે. મોહમદ સલીમની હત્યા કરાયાનું જાણવા મળે છે. સલીની હત્યા કરીને ફેંકી દેવામાં આવેલી લાશ દરગાહ અલી શાહ સખી સરમસ્ત નજીક લ્યારી નદીમાંથી મળી આવી હતી. પોલીસે મોહમદ સલીમની લાશને નદીમાંથી બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. સમગ્ર ઘટનાને પગલે ભારત વિરોધીઓમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને કેનેડા સહિતના દેશોમાં ભારતના દુશ્મનોની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. તાજેતરમાં પાકિસ્તાનમાં આતંકવાદી દાઉદ મલિકની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને ઘાતકી હત્યા કરી હતી. દાઉદ મલિક વૈશ્વિક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહરનો નજીક મનાતો હતો. તેની હત્યા પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાનમાં હત્યા કરવામાં આવી હતી.