રાજકોટઃ ગુજરાતમાં રોજબરોજ વધતી જતીં મોંઘવારીમાં દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં ડબ્બે 125નો ઘટાડો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ રાહત અનુભવી છે. હાલ તમામ માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. તેથી હજુ પણ સિંગતેલના ભાવ ઘટવાની શક્યતા છે. સૌરાષ્ટ્રની આઈલ મિલોમાં મગફળીનું પિલાણ શરૂ થઈ ગયું છે. નવા તેલની આવક શરૂ થતાં જ ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનાથી સીંગતેલના ભાવમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. જેમાં વીતેલા સપ્તાહમાં ડબ્બે વધુ 100થી 125 રૂપિયાનો ઘટાડો થયો છે. જેને લઈ સીંગતેલના ભાવો ડબ્બે રૂ.2650-2700ના સ્તરે પહોંચ્યા છે. હાલ મગફળીની સારી આવક તેમજ ઓઈલ મિલોમાં પિલાણ શરૂ થવાને કારણે ભાવ ઘટી રહ્યા છે. આ ભાવ ઘટાડો દિવાળી સુધી આગળ વધવાની શક્યતા છે. દિવાળી બાદ ભાવ સ્ટેબલ રહેવાની કે વધારો થવાની આશા વેપારીઓ સેવી રહ્યા છે.
સીંગતેલના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ ગુજરાતમાં ચાલુ વર્ષે સીંગતેલના ભાવ એક તબક્કે ડબ્બે રૂ.3200 ની સપાટી વટાવી ગયા હતા. હાલ સારી બ્રાન્ડના સીંગતેલના ભાવ રૂ.2800 આસપાસ અને રનિંગ બ્રાન્ડના ભાવ રૂ.2650-2700 થયા છે. 15 લિટર ડબ્બાનો ભાવ ઓછો હોય છે, જે હાલમાં રૂ.2450થી લઈ 2600 સુધી વેચાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં રૂ.100થી 125નો ભાવ ઘટાડો થયો છે. આગામી સમયમાં દિવાળી સુધી ભાવ ઘટે તેવી શક્યતા છે. ત્યારબાદ ભાવ ઘટવાની શક્યતા ખૂબ ઓછી છે.
રાજકોટના એક ઓઈલ મિલરના કહેવા મુજબ સીંગતેલમાં અન્ય તેલોની સરખામણીએ ભાવમાં મોટો વધારો થયો હતો. રાજ્યમાં હાલ મગફળીના પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં પણ મગફળીનું ઉત્પાદન સારૂએવું થયું છે. હાલ તમામ માર્કેટયાર્ડસમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. હાલ તમામ ઓઈલમિલો ચાલુ થઈ ગઈ છે. બીજીબાજુ સીંગતેલની માંગમાં ઘટાડો નોંધાયો છે. આ કારણે સીંગતેલના ભાવો ઘટી રહ્યા છે. નવી સિઝન સામાન્ય રીતે દિવાળી પછી શરૂ થતી હોય છે. જેમાં ફરીથી માંગ વધતા ભાવમાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલના ભાવમાં. છેલ્લા પાંચ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. સીંગતેલમાં રૂ.30, કપાસિયામાં 15, પામોલીનમાં રૂ.10નો ઘટાડો થયો હતો. હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે સીંગતેલના ભાવો ઘટતા લોકો રાહત અનુભવી રહ્યા છે. આખા વર્ષ માટે પણ સીંગતેલની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જોકે, દિવાળી બાદ ભાવમાં વધારો થવાની પૂરી શક્યતા હોવાનું વેપારીઓનું માનવું છે.