સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે તંત્રના દરોડા, JCB સહિતના સાધનો જપ્ત કરાયાં
સુરેન્દ્રનગરઃ વઢવાણના પાદરમાંથી પસાર થતીં ભોગાવો નદી વિશાળ પટ્ટમાં ફેલાયેલી છે. ભોગાવો નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા રેતીનું ગેરકાયદો ખનન થતું હોવાની રાવ ઉઠી છે. ખનિજ વિભાગ દ્વારા પોલીસની મદદ લઈને અવાર-નવાર દરોડા પાડવામાં આવતા હોય છે. પરંતુ ખનીજચોરી અટકતી નથી. ત્યારે ખનીજ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ જ ભોગાવા નદી પટમાં રેડ પાડીને જેસીબી સહિતના સાધનો જપ્ત કરાયા હતા. કલેક્ટરના આદેશથી જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે ઝુંબેશ આદરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ ટીમ દ્વારા થોડા દિવસો પહેલા જ વઢવાણ મોટા મઢાદ ગામે તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ગેરકાયદે ખનન પકડાતા 68,118.46 મેટ્રિકટન બ્લેકટ્રેપનો જથ્થા સહિત ખનન મામલે ફુલગ્રામના શખ્સ સામે રૂ.2.70 કરોડથી વધુની રકમનો ખરીજ ચોરી મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપદા જમીનમાં ધરબાયેલી છે. જેન ખનીજ માફિયાઓ ગેરકાયદે ખનન કરી લૂંટ ચલાવી સરકારી તીજોરીને નુકસાન પહોંચાડતા હોવાની બુમરાણો ઉઠી છે. ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારમાંથી પસાર થતા ભોગાવા નદીઓમાં પણ ખનનની બેરોકટોક ચારી થઈ રહી છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગે સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ ભોગાવા નદીમાં રેડ કરી હતી. એકાએક રેડ કરાતા ખનીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી હતી. આ ઘટનામાં સ્થળ પરથી જેસીબી સહિતના સાધનો તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી.