અમદાવાદ: મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં કૂદકે ને ભૂસકે વસતીમાં વધારો થઈ રહ્યો છે. બહારગામના અનેક લોકો ધંધા અને રોજગાર માટે આવીને શહેરમાં વસવાટ કરી રહ્યા છે. શહેરની વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. સાથે જ ઠેર ઠેર નવી બિલ્ડિંગો બની રહી છે. આવા બધા કારણોને કારણે શહેરમાં એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 4 દિવસથી શહેરના પિરાણા, બોપલ, નવરંગપુરા જેવાં વિસ્તારોમાં હવાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એર ક્વોલીટી ઈન્ડેક્ષ વધતો જાય છે. જો એર પ્રદૂષણ ઘટાડવા માટેના કોઈ ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ દિલ્હી જેવી બની જવાની દહેશત છે.
અમદાવાદ શહેરમાં હવાનું પ્રદુષણ ગણતરીના દિવસો માટે જ રહેતું હોવાથી હાલ લોકોના સ્વાસ્થય પર કોઈ સીધી અસર જોવા નથી મળી પરંતુ એર પ્રદૂષણની આવીને આવી સ્થિતિ રહેશે તો શહેરીજનોએ શ્વાસ લેવો મુશ્કેલી બની શકે છે. શહેરમાં હવાનું પ્રદુષણ વધુ એક વખત ભયજનક સ્થિતિ સુધી પહોંચી ગયું હતું. શહેરના પીરાણા, નવરંગપુરા અને બોપલ વિસ્તારમાં સતત બે દિવસ સુધી હવા ખરાબ હોવાનું ખુદ સરકારી ચોપડે નોંધાયું છે. એર ક્વોલીટી ઈન્ડેક્સ એટલે કે હવાની શુદ્ધતા દર્શાવતો સૂચકઆંક 200 સુધી હોય, ત્યાં સુધી હવાની ગુણવત્તા મધ્યમ મનાય છે એટલે કે આ હવા શ્વાસ લેવા માટે તો શુદ્ધ નથી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં હવાની શુદ્ધતા દર્શાવતો આ સૂચકઆંક 119થી વધારે રહ્યો હોવાનું નોંધાયું છે એટલે કે સરકારી પરિભાષા અનુસાર અમદાવાદમાં હવાની ગુણવત્તા ખરાબ હતી.
તબીબ નિષ્ણાંતોના મત મુજબ અમદાવાદ શહેરમાં વધી રહેલા હવાના પ્રદુષણની સીધી અસર તંદુરસ્ત શહેરીજનોને હાલ વર્તાઈ રહી નથી પરંતુ આંતરિક રીતે શરીરમાં આ હવા ખુબ જ નુકસાન કરે છે. શ્વાસ અને હૃદયની બીમારીના દર્દીઓ માટે તો પ્રત્યક્ષ રીતે જ આ હવા આરોગ્યપ્રદ નથી એટલે કે આવા દર્દીઓનું આરોગ્ય વધારે કથળી શકે છે. શહેરમાં હવા શુદ્ધ ન હોય તેવા દિવસોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. પર્યાવરણ માટે પણ આ બાબત જોખમી છે. સામાન્ય શહેરીજનો પણ રાત્રિના સમયે માર્ગો પર નિકળે ત્યારે હવામાં ધુમાડાનું આવરણ જોઈ અને અનુભવી શકે છે. આ અંગે તાકીદે નક્કર આયોજન કરીને યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમદાવાદ શહેરની હાલત પણ દિલ્હી જેવી બની જશે.