ગાંધીનગરઃ શહેરમાં જુદા જુદા વિભાગોના સરકારી કર્મચારીઓને સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવે છે. જેમાં ઘણા ક્વાટર્સમાં વર્ષોથી સરકારી કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે. જેમાં વર્ષો પહેલા બનાવેલા સરકારી ક્વાટર્સ જર્જરિત બની રહ્યા છે. પાટનગર યોજના ભવનના સત્તાધિશોએ સેકટર 22 અને 23માં આવેલા સરકારી ક્વાટર્સ ભયજનક બનતા 180 કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. જેમાં 40 કર્મચારીઓએ ક્વાટર્સ ખાલી કરી દીધા છે. જ્યારે 140 કર્મચારી પરિવારો એવા છે. કે, નોટિસ આપવા છતાંયે ક્વાટર્સ ખાલી કરતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના સરકારી આવાસોનો સમયાંતરે સર્વે કરીને જરૂરિયાત જણાતાં આવાસોને ભયજનક આવાસની કેટેગરીમાં પણ મૂકવામાં આવે છે. આ અગાઉ મે માસમાં પાટનગર યોજના વિભાગના સત્તાધીશો દ્વારા સેક્ટર-22 અને 23ના આવાસોને ભયજનક કેટેગરીમાં મૂકીને તમામને તબક્કાવાર કુલ 180 કર્મચારીઓના પરિવારોને બીજી અને ત્રીજી નોટfસ આપ્યા છતાં પણ હજુ સુધી માત્ર 40 જણાં દ્વારા જ આવાસ ખાલી કરવામાં આવ્યાં છે. જેમાંથી 30 જણાંને અન્ય જગ્યાએ આવાસ ફાળવવામાં આવેલાં છે, જ્યારે બાકીના 10 રહીશો દ્વારા પોતાના ઘર કે પછી ભાડે રહે છે. પરંતુ નોટિસ આપ્યાના 5 મહિનાથી પણ ઉપર સમય વીતી ગયો હોવા છતાં પણ 140 કર્મચારીઓ આવાસ ખાલી ના કરતાં હોવાથી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં અંદાજીત 5 હજારથી વધુ આવાસો ભયજનક કેટેગરીમાં મૂકવામાં આવ્યાં છે. ભયજનક સરકારી આવાસમાં રહેતાં કર્મચારીઓને સત્વરે આવાસ ખાલી કરી દેવા માટે તંત્ર દ્વારા પણ આગોતરી નોટિસ આપવામાં આવતી હોવા છતાં, કર્મચારીઓ દ્વારા આવાસ ખાલી કરવામાં ઢીલાશ રાખતાં તંત્રના અધિકારીઓ માટે પણ આ સમસ્યા માથાનો દુખાવો સાબિત થઈ છે. તાજેતરમાં જ સેક્ટર -29 ખાતે ભયજનક કેટેગરીમાં સમાવવામાં આવેલ ના હોય તે આવાસમાં પણ છજાનો ભાગ પડવાના કારણે રહેવાસીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે પાટનગર યોજના વિભાગ પણ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ દુર્ધઘટના ના બને તે માટે એલર્ટ થઈ ગયું છે. વર્તમાન સમયમાં સરકારી કર્મચારીઓ માટેના આવાસોમાં રિપેરિંગ તેમજ નવા આવાસોનું તબક્કાવાર મંજૂરી મળતાં કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તમામને તાત્કાલિક ધોરણે નવા આવાસ ફાળવવા વિભાગ માટે પણ શક્ય નથી. જ્યારે રહેવાસી કર્મચારીઓ પણ જીવના જોખમે આવાસ ખાલી કરતાં નથી. કેટલાંક કિસ્સમાં HRAનો લાભ મળતાં અમુક કર્મચારીઓ આવાસ ખાલી કરી દેતાં હોય છે. પરંતુ તેની સંખ્યા ખૂબ ઓછી છે.