દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી એસટીની 150 એક્સ્ટ્રા બસ 5મી નવેમ્બરથી દોડશે
રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરોમાં વસવાટ કરનારા ઘણા લોકો પોતાના માદરે વતન જતાં હોય છે. ઘણા પરિવારો રજાઓમાં ફરવા માટે પણ જતાં હોય છે. તેના લીધે પ્રવાસી ટ્રાફિકમાં ખૂબ વધારો થતો હોય છે. ત્યારે પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી અમદાવાદ, સુરત, દ્વારકા, સોમનાથ સહિત વિવિધ શહેરોમાં જવા માટે 150 જેટલી એસટીની એકસ્ટ્રા બસો આગામી તા. 5મી નવેમ્બરથી દોડાવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના તમામ એસટી ડિવિઝન દ્વારા તહેવારોમાં મુસાફરોને હાલાકી પડે નહીં તેના માટે એક્સ્ટ્રા બસો મુકવામાં આવતી હોય છે. અગાઉ પણ સાતમ-આઠમનાં તહેવારોમાં વધારાની બસો મુકવામાં આવી હતી. ત્યારે હવે દિવાળીના તહેવારો પર રાજકોટ ST ડિવિઝને એકસ્ટ્રા 150 બસ જોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી તા. 5 નવેમ્બરથી અમદાવાદ, ભાવનગર, દ્વારકા અને સોમનાથ સહિતના નિર્ધારીત કરેલા રૂટ પર વધારાની બસો દોડાવાશે.
આ અંગેની માહિતી આપતા રાજકોટ એસ. ટી. વિભાગિય કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં તહેવાર પર નક્કી કરાયેલા રૂટ પર વધુ 150 જેટલી બસ દોડાવવામાં આવશે. જેનો લાભ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના મુસાફરોને થશે. અંદાજીત 5 નવેમ્બર સુધીમાં એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવશે. રાજકોટ વિભાગ દ્વારા ખાસ કરીને દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને પંચમહાલ જેવા રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે. આ તમામ રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવતા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 14 ડેપો જેવા કે રાજકોટ, પડધરી, ગોંડલ, વિરપુર, મોરબી, જસદણ, આટકોટ, વાંકાનેર. ધ્રાંગધ્રા, હળવદ, લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર અને ચોટીલાના ડેપો પરથી મુસાફરી કરતા લોકોને પણ લાભ મળશે. જોકે, વેકેશનમાં કેટલીક એકસ્ટ્રા બસમાં મુસાફરોએ રેગ્યુલર ભાડા કરતા થોડું વધારે ભાડું ચૂકવવું પડશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં લોકો પોતાના ઘર પર જઈ શકે તેમજ તહેવારોમાં ફરવા જતા મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે ગુજરાત એસ.ટી. વિભાગે તમામ ડિવિઝનોમાં 3700 એક્સ્ટ્રા બસ દોડાવવાનો જેમાં સૌથી વધુ સુરતથી સૌરાષ્ટ્ર આવવા ઇચ્છુક મુસાફરોની સુવિધા માટે 2200 બસ મુકાશે જેમાંથી 1200 જેટલી બસના ઓનલાઇન બુકિંગ પણ થઇ ગયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી દાહોદ, ગોધરા, પંચમહાલ જવા માટે પણ બસ મુકાશે. રાજકોટ એસ.ટી. ડિવિઝને 150 એક્સ્ટ્રા બસ મુકવાનું નક્કી કર્યું છે અને આ માટે ઓનલાઇન બુકિંગ પણ શરૂ થયું છે.