1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એસટી કર્મચારીઓના કેટલાક પ્રશ્નો ઉકેલ્યા વિના જ આંદોલન સમેટવાના નિર્ણય સામે અસંતોષ
એસટી કર્મચારીઓના કેટલાક પ્રશ્નો ઉકેલ્યા વિના જ આંદોલન સમેટવાના નિર્ણય સામે અસંતોષ

એસટી કર્મચારીઓના કેટલાક પ્રશ્નો ઉકેલ્યા વિના જ આંદોલન સમેટવાના નિર્ણય સામે અસંતોષ

0
Social Share

અમદાવાદઃ રાજ્યના એસટી નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા હતા. અને 2જી નવેમ્બરથી માસ સીએલ પર જવાનું એલાન આપ્યું હતું પરંતુ તે પહેલા જ એસટીના ત્રણ યુનિયનો દ્વારા સરકાર સાથે વાટાઘાટો કરતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવી ગયો હતો. તેથી એસટી કર્મચારીઓનું આંદોલન સમેટવામાં આવ્યું છે, જો કે, એસટીના કર્મચારીઓના કહેવા મુજબ થોડા પ્રશ્નો હજુ વણઉકલ્યા હોવાથી અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે બાકીના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવું જોઈએ.

એસ ટીના કર્મચારીઓના કહેવા મુજબ તમામ પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી. પરંતુ માત્ર ખાતરીના આધારે કર્મચારીઓના ત્રણેય યુનિયનની સંકલન સમિતિએ લડત આંદોલન સમેટી લેવાની જાહેરાત કરતાં  કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં વધારો સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નહી હોવાની ચર્ચા કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોની સંકલન સમિતિએ અલગ અલગ પ્રકારના 19 જેટલા પડતર પ્રશ્નોના ઉકેલ માટે બસના પૈડાં થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. દિપાવલી પર્વના આગમન પહેલાં જ બસોના પૈડાં થંભાવી દેવાથી રાજ્ય સરકાર હરકતમાં આવીને સંકલન સમિતિની સાથે બેઠક કરીને મનાવી લેવામાં સફળ રહી હતી. જોકે પ્રશ્નો ઉકેલની માત્ર બાંહેધરીના આધારે સંકલન સમિતિએ હડતાલ સમેટી લેતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતન રૂપિયા 26000 કરવાની માંગણી સ્વીકારવામાં આવી નથી. પગાર વિસંગતતાઓના કારણે પાંચ ઇન્ક્રીમેન્ટ બંધ છે. નવા પગાર પંચ મુજબ બેઝિક અને ઘરભાડુ તેમજ લાઇન કિલોમીટરના નાણાં મળતા નથી. ઓવરટાઇમ પણ નવા પગાર મુજબ આપવામાં આવતો નહી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે. ઉપરાંત નાઇટ એલાઉન્સમાં પણ વિસંગતતા દુર કરવામાં આવી નથી. જેને પરિણામે 50 કિ.મી.ની કે 500 કિ.મી.ની નાઇટ કરે બન્ને નાઇટ એલાઉન્સ તરીકે માત્ર રૂપિયા 60 જ ચુકવવામાં આવે છે. નોકરીના 10 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષે ઉચ્ચત્તર ગ્રેડ પેની અમલવારી કરાતી નથી. બ્રેક ડાઉન કિસ્સામાં ઓવર ટાઇમનો લાભ મળતો નથી સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા જ નથી તેમ છતાં સમાધાન કરવામાં આવ્યું હોવાનું કર્મચારીઓમાં ચર્ચાએ જોર મચાવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code