સુરતઃ શહેરમાં અલગ અલગ રાજ્યો તેમજ સૌરાષ્ટ્ર, કચ્છના લોકો મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા માટે વસવાટ કરી રહ્યા છે. તેમજ ટેક્સટાઈલ સહિતના વિવિધ ઉદ્યોગોમાં પણ કામ કરતા પરપ્રાંતી શ્રમિકોની સંખ્યા ખૂબ મોટી છે. દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન જતાં હોય છે. એટલે દિવાળીના તહેવારો પહેલા જ પ્રવાસીઓના ટ્રાફિકમાં ખાસ્સો વધારો થયો હોય છે. આ તકનો લાભ લઈને ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ બસના ભાડાંમાં તોતિંગ વધારો કરી દેતા વિરોધ ઊભો થયો છે. ખાનગી ભસ ઓપરેટરો મન ફાવે તેમ મુસાફરો પાસેથી ભાડાની લૂંટ ચલાવે છે, ત્યારે આ લૂંટને રોકવા માટે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રથી લાખોની સંખ્યામાં લોકો સુરત નગરીમાં વસવાટ કરે છે. દિવાળી વેકેશનમાં હીરાના કારખાનાંમાં કામ કરતાં રત્ન કલાકારો પણ પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે. ખાસ કરીને સુરતમાં રત્ન કલાકારોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે સરકારી બસ અને ખાનગી બસોમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં નોંધનીય વધારો થાય છે, ત્યારે મુસાફરોની સંખ્યા વધતા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા 3થી 4 ગણા ભાડાની વસૂલતા કરાતા હોય છે. ત્યારે આ મન ફાવે તેમ ભાડાની રજૂઆત રોકવા માટે કલેકટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
તાજેતરમાં જ ગૃહમંત્રી દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન સુરતથી એસટીની વધારાની બસો દોડાવવાની જાહેરાત કરી હતી. તહેવારના દિવસોમાં મુસાફરોને કોઈ તકલીફ ના પડે અને શાંતિથી પોતાની મુસાફરી પૂર્ણ કરે તે માટે વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ ખાનગી બસ ઓપરેટરો દ્વારા આડેધડ ભાડા વધારીને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાથી સુરતના રત્ન કલાકારોએ કલેક્ટરને આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે.
રત્નકલાકારોએ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં એવી રજૂઆત કરી છે.કે, દિવાળીના તહેવારમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ મોટી સંખ્યામાં લોકો જતાં હોય છે. જેમાં ખાસ કરીને રત્નકલાકારો હોય છે. હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીની સામે ઝઝૂમતા રત્નકલાકારો આર્થિક ભીંસમાં છે ત્યારે દિવાળીના તહેવારમાં જ ખાનગી બસ સંચાલકોએ ભાડું ડબલ કરી દીધુ છે. ત્યારે ખાનગી બસ ઓપરેટરોને અંકુશમાં લેવાની માગ કરવામાં આવી છે.