CM ફેલોશીપ પ્રોગામ, સ્નાતક થયેલા યુવાનોને દર મહિને રૂપિયા એક લાખનું મહેનતાણું અપાશે
ગાંધીનગર: સરદાર પટેલ જન્મ જયંતી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે. સીએમ ફેલોશીપ પ્રોગ્રામ માટે સ્નાતક અને અનુસ્નાતક થયેલા યુવાનોને ફેલોશીપ માટે દર મહિને રૂપિયા એક લાખનું મહેનતાણું મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ માટે યુવાઓ પાસેથી આવેલી અરજીઓની યોગ્યતાના ધોરણે પસંદગી કરાશે. આ ફેલોશીપની સમાયાવધિ એક વર્ષની રાખવામાં આવી છે. તેમજ આ સમય દરમિયાન ફેલો યુવાઓને માસિક એક લાખ રૂપિયાનું મહેનતાણું પણ રાજ્ય સરકાર આપશે. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામમાં IIM-અમદાવાદ એકેડેમિક પાર્ટનર તરીકે જોડાશે. IIM-અમદાવાદના ફેલોની પસંદગી અને તાલીમ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તેજસ્વી શિક્ષિત યુવાઓને એક વર્ષની આ ફેલોશીપથી રાજ્ય અને સમાજની સેવા માટે સક્રિય યોગદાન આપવાની તક ઉપલબ્ધ થશે. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામમાં 60 કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને 35 વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક અપાશે. પસંદ થયેલા સી.એમ ફેલોને 2 અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 2 સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ પણ અપાશે. રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે