1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જમીનમાં એક જ વર્ષમાં સેન્દ્રીય કાર્બનના પ્રમાણમાં 0.067 ટકાનો વધારો
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જમીનમાં એક જ વર્ષમાં સેન્દ્રીય કાર્બનના પ્રમાણમાં 0.067 ટકાનો વધારો

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જમીનમાં એક જ વર્ષમાં સેન્દ્રીય કાર્બનના પ્રમાણમાં 0.067 ટકાનો વધારો

0
Social Share

અમદાવાદઃ વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની જમીનની ફળદ્રુપતામાં વધારો થયો હોવાનું સોઇલ ટેસ્ટમાં ફલિત થવા પામ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા પહેલા અને બાદમાં લેવામાં આવેલા માટીના નમૂનાનો સોઇલ હેલ્થ ટેસ્ટ કરવામાં આવતા આ જમીનોમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધ્યું હોવાનું પૂરવાર થયું છે. રાસાણિક ખાતરોના દુષ્પરિણામો પહેલાની જમીન કેવી હતી ? તેની સાદી સમજ જોઇએ તો એક સારો વરસાદ પડે એટલે ખેતરમાં રહેલા ઢેફા ઓગળી જતાં હતા. આજે સ્થિતિ એવી છે કે બે ત્રણ સારા વરસાદ પડ્યા બાદ પણ ખેતરમાં કેટલાક ઢેફા ઓગળતા નથી. મતબલ કે માટી એટલી કડક થઇ ગઇ છે. એવું કહેવામાં પણ અતિશિયોક્તિ નથી કે ઢેફાફાડ વરસાદની વ્યાખ્યા હવે બદલવી પડશે. કેટલાક ખેડૂતો તો એવું કહે છે કે, ભીની માટીમાં ચાલીએ તો પણ ચપ્પલ કે જોડામાં માટી ચોટતી નથી ! રસાણિક ખાતરોનો આ હદ સુધીનો દુષ્પ્રભાવ જમીન ઉપર પડ્યો છે. એક સમય એવો હતો કે, હળમાં કોશ નાખી, બળદથી મદદથી જમીન ખેડાતી હતી અને સરળતાથી જમીન ખેડાઇ જતી હતી. હાલમાં જમીન એટલી કઠણ થઇ ગઇ છે કે 45થી 65 હોર્સપાવરના ટ્રેક્ટર બેત્રણ વખત ચલાવવા પડે ત્યારે જમીન ખેડાઇ અને ઢેફાને તોડવા માટે સમાર કરવું પડે છે.

જમીનની ફળદ્રુતાનો આધાર તેમાં રહેલા સેન્દ્રીય કાર્બન આધારિત છે. છોડનો પોષણ આપતા કુલ તત્વોમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ બે ટકાથી વધુ હોવું જોઇએ. વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા પૂર્વે જમીનના સોઇલ હેલ્થ ટેસ્ટ કરાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરાએ આત્મા વિભાગને સૂચના આપી હતી. આત્મા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨માં શિનોર તાલુકાના પાંચ, ડેસરના ચાર, સાવલીના છ, વડોદરા તાલુકાના છ, વાઘોડિયા તાલુકાના ચાર, ડભોઇ, પાદરા અને કરજણ તાલુકાના પાંચ-પાંચ મળી કુલ 40 ખેડૂતોની જમીનના સોઇલ હેલ્થ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ તમામ જમીનમાં સેન્દ્રીય કાર્બનનું સરેરાશ પ્રમાણ 0.472 ટકા જણાયું હતું. એ બાદ આ વર્ષમાં ફરી એજ જમીનમાં એ જ સ્થળેથી માટીના નમૂના લઇ મંગલભારતી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેસ્ટ કરાવવામાં આવ્યા તો તેમાં સેન્દ્રીય કાર્બનનું સરેરાશ પ્રમાણ 0.539 ટકા જણાયું હતું. મતબલ કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવ્યા બાદ જમીનની ફળદ્રુપતામાં ૦.૦૬૭ ટકા વધારો થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હરિયાણા સ્થિત જમીનમાં આ પ્રમાણ બે ટકા કરતા વધારે છે !

જમીનમાં વવાતા છોડને ઉગી નીકળવા માટે 28 જેટલા પોષક તત્વોની જરૂર પડે છે. જેમાં મુખ્ય નાઇટ્રોઝન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય છે. એ બાદ કેલ્શીયમ, મેગ્નેશિયમ, સલ્ફર, બોરોન અને જિન્ક જેવા ગૌણ તત્વોની પણ જરૂરત રહે છે. વડોદરા જિલ્લામાં મુખ્યત્વે ગોરાડું, કાળી અને મધ્યમ કાળી પ્રકારની જમીન છે. જમીનમાં યુરિયા નાખવાથી નાઇટ્રોસોમોનાસ નામના બેક્ટરિયા નાઇટ્રીફિકેશન કરી છોડને નાઇટ્રોઝન પૂરૂ પાડે છે. જમીનમાં ફોસ્ફરસ ઉંડે હોય છે. હવે ફરીથી આ ખાતર નાખવામાં આવે છે. કંદમૂળ સિવાયના પાકો માટે સામાન્ય રીતે પોટાશની જરૂર નથી રહેતી. આપણી જમીનમાં કુદરતી રીતે ઉપલબ્ધ હોય છે. છતાં પણ નાખવામાં આવે છે. જમીનમાં અમ્લતાનું સામાન્ય પ્રમાણ સાત ટકા જેટલું હોવું જોઇએ. જેની સામે વડોદરા જિલ્લામાં આ પ્રમાણ 8 થી 8.3 ટકા છે. એના કારણે માટી કડક થતી જાય છે. ખેડૂતો પોતાની જમીનને પુત્રવત્ત પ્રેમ  કરતા હોય છે. કોણ પિતા તેમના પુત્રને દવા પાઇને મોત આપી શકે ? રસાયણિક ખાતરનું દુરપયોગ કરી પુત્ર જેવી જમીનને મૃતપ્રાયઃ કોણ ખેડૂત કરી શકે ? એટલે જ હવે પ્રાકૃતિક ખેતી જ ઉપચાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code